રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને અખાદ્ય સામગ્રી વેચતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મનપાની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી 47 ધંધાર્થીઓની દુકાનો અને પેઢીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગને સ્થળ પરથી અંદાજે 37 કિલો જેટલો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો, જેને તાત્કાલિક અસરથી નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુણવત્તાની તપાસ અર્થે કુલ 14 સ્થળેથી ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
પારસ એગ્રોમાંથી એકસાથે 8 સેમ્પલ લેવાયા
આ દરોડા દરમિયાન સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ રહી કે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પારસ એગ્રો માંથી એકસાથે 8 જેટલા વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પારસ એગ્રો દ્વારા શહેરની સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકો માટે ભોજન પૂરું પાડવામાં આવે છે. આ સંસ્થા દ્વારા પીરસવામાં આવતા ભોજનની હલકી ગુણવત્તા અને અનિયમિતતા મુદ્દે અગાઉ પણ વારંવાર ગંભીર ફરિયાદો ઉઠી ચૂકી છે, જેથી આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા સેમ્પલના રિપોર્ટ પર સૌની નજર ટકેલી છે.
