રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાર જેટલી જગ્યાએ એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવી છે. ત્યારે ચોમાસા દરમિયાન રાજકોટ શહેરના રેલનગર તેમજ મવડી વિસ્તારમાં આવેલી એનિમલ હોસ્ટેલના હાલ બેહાલ હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી સમયે ગાય માતાના નામે મત માગનારા પદાધિકારીઓ તેમજ સત્તાધારી પક્ષના લોકોને જાણે કે ગૌમાતાની કોઈ દરકાર જ ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે.
એનિમલ હોસ્ટેલમાં પતરા નાખવાની તેમજ રોડ બનાવવાની કામગીરી કરવામાં નથી આવી
ત્યારે સમગ્ર મામલે રાજકોટના પ્રથમ નાગરિક નયનાબેન પેઢડીયા દ્વારા સ્વીકાર કરવામાં આવી રહ્યો છે કે એનિમલ હોસ્ટેલમાં ગાયોની દયનીય હાલત છે. ચોમાસાના કારણે એનિમલ હોસ્ટેલમાં હાલ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેમજ કાદવ કીચડના કારણે મચ્છર માખી સહિતનાઓનો ઉપદ્રવમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે ગાયોને પણ રહેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે રાજકોટના પ્રથમ નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર મામલે અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી છે. વરસાદી વાતાવરણ હોવાના કારણે એનિમલ હોસ્ટેલમાં પતરા નાખવાની તેમજ રોડ બનાવવાની કામગીરી કરવામાં નથી આવી. વરસાદી વાતાવરણ સમાપ્ત થઈ જતા પતરા નાખવાનું તેમજ રોડ બનાવવા સહિતનું કામકાજ કરવામાં આવશે. એનિમલ હોસ્ટેલમાં બ્લોક નાખવા શક્ય નથી કારણ કે ગાયોના મળમૂત્ર ફસાઈ જાય છે તેમજ ગાયોનું તેના ઉપર ચાલવું પણ મુશ્કેલ બને છે.
હોસ્ટેલમાં ગાય ભેંસ રાખવા માટે પૈસા ચૂકવવામાં આવે છે
સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણી અને માલધારી આગેવાન રણજીત મુંધવાએ જણાવ્યું કે , જે માલધારીઓ પાસે પોતાના ઢોરઢાખર સાચવવાની વ્યવસ્થા ન હોય તેવો એનિમલ હોસ્ટેલમાં પોતાના ઢોરઢાખર રાખે છે. ત્યાં ઢોરઢાખર રાખવા માટે માલધારીઓ મહાનગરપાલિકાને રજિસ્ટ્રેશન સમયે પૈસા પણ ચૂકવે છે. એક ગાય માટે 1200, જ્યારે એક ભેંસ રાખવાના 1700 રૂપિયા માલધારીઓ ચૂકવે છે. તેમ છતાં ગાય માતાની હાલત એનિમલ હોસ્ટેલ ખાતે દયનીય છે. જે તે સમયે રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા માલધારીઓને ગાયની સારી જાળવણી થઈ શકે તે માટે એનિમલ હોસ્ટેલ બનાવી આપી હતી. તેમજ એનિમલ હોસ્ટેલમાં અનેક સુવિધાઓ આપવાનો વાયદો પણ આપવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાએ એનિમલ હોસ્ટેલમાં રહેતી ગાયોને પોતાનો ધીગતો ધંધો બનાવી નાખ્યો
માલધારી સમાજ હવે શહેરી વિસ્તારમાં ઢોર રાખી શકતા નથી, જેઓ પાસે સરકારના નિયમ મુજબ ઢોરવાડો કરવાની જગ્યા ન હોઈ તેઓએ એનિમલ હોસ્ટેલમાં ઢોર રાખવાના હોઈ છે. જેનો દર મહિને ચાર્જ ચૂકવવો પડે છે, આ એનિમલ હોસ્ટેલમાં જે તે સમયે એનિમલ માટે દવાખાનું, પશુ ડોકટર, સફાઈ કર્મીઓ તેમજ એક જેસીબી રાખવાની વાત કરવામાં આવી હતી. પરંતુ હાલ મહાનગરપાલિકાએ એનિમલ હોસ્ટેલમાં રહેતી ગાયોને પોતાનો ધીગતો ધંધો બનાવી નાખ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ એનિમલ હોસ્ટેલમાં ગાયોને આપવામાં આવનારી સવલતોના નામે મીંડું છે.