આગામી સમયમાં આવી રહેલા તહેવારો પૂર્વે જ સામાન્ય જનતા અને મધ્યમ વર્ગ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના મુખ્ય ગણાતા રાજકોટના માર્કેટ યાર્ડ અને તેલ બજારમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. સિંગતેલ અને કપાસિયા સહિતના તમામ ખાદ્યતેલોના ભાવમાં એકાએક તોતિંગ વધારો ઝીંકાતા સામાન્ય નાગરિકોના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
સિંગતેલ અને કપાસિયા તેલમાં તોતિંગ વધારો
બજારના વેપારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મધ્યમ વર્ગના ઘરોમાં સૌથી વધુ વપરાતા સિંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં સીધો રૂ. 50નો ધરખમ વધારો નોંધાયો છે. આ વધારા સાથે જ હવે સિંગતેલના એક ડબ્બાની કિંમત રૂ. 2820ની સપાટીએ પહોંચી ગઈ છે. માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ મોટાભાગના પરિવારોની પ્રથમ પસંદગી ગણાતા કપાસિયા તેલના ડબ્બામાં પણ રૂ. 30નો વધારો ઝીંકાયો છે, જેથી કપાસિયા તેલનો ડબ્બો હવે રૂ. 2670 થઈ ગયો છે.
