રાજકોટ ખાતે અતિ આધુનિક સુવિધાઓ સાથે રૂ. 2,654 કરોડ ના અધધ ખર્ચે નિર્માણ પામેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હિરાસર) ની નબળી કામગીરીની પોલ ખોલતી એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં પાઇપલાઇનમાંથી સતત પાણી લીક થવાને કારણે સમગ્ર કાર્ગો ફ્લોર પર પાણી ફરી વળ્યા છે. છેલ્લા 2 દિવસથી સતત પાણીનું લીકેજ થતાં કાર્ગો વિભાગની તમામ કામગીરી તદ્દન ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે એરપોર્ટ ઓથોરિટીની નબળી કામગીરી અને બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ઇલેક્ટ્રિક બોર્ડ સુધી પાણી પહોંચતા શોર્ટ સર્કિટની ભીતિ
એરપોર્ટ પરિસરમાં પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ફ્લોર પર ભરાયેલા પાણી હવે મુખ્ય ઇલેક્ટ્રિક બોર્ડ સુધી પહોંચી ગયા છે, જેના કારણે ગમે ત્યારે મોટો શોર્ટ સર્કિટ કે આગ લાગવાની ભયાનક હોનારત સર્જાવવાની ભીતિ ઊભી થઈ છે. આ સિવાય, પાણી ભરાઈ જવાના કારણે ઈન્ડિગો એરલાઇન્સનો અંદાજે 4 ટન સામાન કાર્ગોમાં લોડ થઈ શક્યો નહોતો. આ કામગીરી અટકી જતાં ફ્લાઇટ મારફતે માલસામાન મોકલતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
