રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે મોટા પાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, આ ડિમોલિશનના નામે વહીવટી તંત્ર દ્વારા જે ખર્ચાઓ કરવામાં આવ્યા છે અને તેના જે બિલો રજૂ થયા છે તે આંકડાઓ જોઈને સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ ઉચ્ચ સત્તાધીશોની પણ આંખ ફાટી ગઈ છે. તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા તોતિંગ બિલોને કારણે હવે આ સમગ્ર ડિમોલિશન ખર્ચ સામે અનેક શંકા-કુશંકાઓ અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.


અત્યાર સુધીમાં અલગ-અલગ ચાર ચોંકાવનારા બિલો રજૂ થયા

સામે આવેલી વિગતો અનુસાર, જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચ પેટે અત્યાર સુધીમાં અલગ-અલગ ચાર ચોંકાવનારા બિલો રજૂ થયા છે, જેની કુલ કિંમત અંદાજીત 73 લાખ જેવી થવા જાય છે. આ બિલોની વિગત નીચે મુજબ છે:

પીણું અને અન્ય અકળ ખર્ચ: અંદાજીત રૂ. 27 લાખ (જે સૌથી મોટું બિલ છે).

વીડિયોગ્રાફી અને ડ્રોન ખર્ચ: અંદાજીત રૂ. 22 લાખ (માત્ર શૂટિંગ અને ડ્રોન ઉડાડવા માટે).

પાણીની બોટલનો ખર્ચ: અંદાજીત રૂ. 12.4 લાખ (અધિકારીઓ અને સ્ટાફના પાણી માટે).

મંડપ સર્વિસ ખર્ચ: અંદાજીત રૂ. 6.5 લાખ.

27 લાખનું બિલ એટલું શંકાસ્પદ લાગ્યું કે..

આ ચોંકાવનારા આંકડાઓમાંથી રૂ. 12.4 લાખનું પાણીનું બિલ અને રૂ. 6.5 લાખનું મંડપ સર્વિસનું બિલ ચૂકવવા માટેની વહીવટી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. જો કે, પીણાં અને અન્ય ખર્ચનું રૂ. 27 લાખનું બિલ એટલું શંકાસ્પદ લાગ્યું કે સ્ટેન્ડિંગ કમિટીએ હાલમાં આ બિલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે તેના પેમેન્ટ પર સ્ટે લગાવી દીધો છે, જ્યારે ૨૨ લાખનું વીડિયોગ્રાફીનું બિલ હજુ ચુકવણીની પ્રક્રિયા હેઠળ છે.

મુખ્ય કામગીરીના બિલો તો હજુ આવવાના બાકી

સૌથી ગંભીર અને આશ્ચર્યજનક બાબત એ છે કે, જે મુખ્ય કામગીરી હતી તેના બિલો તો હજુ આવવાના બાકી છે! ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે વપરાયેલા જેસીબી મશીન અને કટરનું બિલ, ખાનગી શ્રમિકો (મજૂરો)નું બિલ, તેમજ ત્યાંથી કાટમાળ ખસેડવા માટે ઉપયોગમાં લેવાયેલા ટ્રેક્ટર, ટ્રોલી અને ટ્રકોના બિલો હજુ યાદીમાં ઉમેરાવાના બાકી છે. જો માત્ર પાણી અને વીડિયોગ્રાફી પાછળ લાખો રૂપિયા ફૂંકી દેવાયા હોય, તો વાસ્તવિક ડિમોલિશનના બિલો આવશે ત્યારે આ આંકડો ક્યાં પહોંચશે તેને લઈને ભારે ચર્ચા જાગી છે.


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : યુરોપના તમામ દેશોમાં ‘હીટ ડોમ’નો કાળો કેર, AC ખરીદવા પડાપડી, જાણો આટલી બધી ભીષણ ગરમીનું અસલી કારણ

  • Follow us on: