રાજકોટ નજીક આવેલા લોથડા ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના સામે આવી છે. અહીં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં રમવા અને છબછબીયા કરવા ગયેલા બે ભૂલકાઓના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. એકસાથે બે માસૂમ બાળકોના આકસ્મિક અવસાનથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.
વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં રમવા ઉતર્યા
મળતી વિગતો અનુસાર, રાજકોટ નજીકના લોથડા ગામમાં રહેતા શ્રમિક પરિવારના હિતેશ અને મનિષા નામના બે બાળકો નજીકમાં જ વરસાદી પાણીથી ભરાયેલા ખાડા પાસે રમતા રમતા પાણીમાં છબછબીયા કરવા ઉતર્યા હતા. રમતા રમતા બંને બાળકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકો ડૂબવા લાગતા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
બંનેને ઝનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
ઘટનાને પગલે બંને બાળકોને તાત્કાલિક બેભાન અવસ્થામાં સારવાર અર્થે રાજકોટની ઝનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ બંને ભૂલકાઓને મૃત જાહેર કર્યા હતા. માસૂમ બાળકોના મોતથી શ્રમિક પરિવાર પર અચાનક આભ તૂટી પડ્યું હતું અને પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગૂંજી ઊઠ્યું હતું.
બાળકોનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની
મૃતક બંને બાળકોનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની હોવાનું જાણવા મળ્યું છે, જેઓ રોજીરોટી મેળવવા અને મજૂરીકામ અર્થે રાજકોટ આવ્યા હતા. સ્થાનિક પોલીસે આ કરુણ બનાવ અંગે ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : 12 ઓગસ્ટે આકાશમાં શું થશે? સોશિયલ મીડિયામાં ચાલતી વાતો ખરેખર સાચી છે ? જાણો રસપ્રદ વાતો