ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે તાજેતરમાં દીકરીઓ અને સોશિયલ મીડિયાને લઈને આપેલા એક નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. આ મામલે હવે પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એક મહત્વનું અને માર્ગદર્શક નિવેદન આપ્યું છે.
પ્રેમ કરવો એ કોઈ પાપ કે ખોટી વાત નથી
રાજકોટમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં નરેશ પટેલે દીકરીઓની સુરક્ષા, પ્રેમ અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે ખુલીને વાત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પ્રેમ કરવો એ કોઈ પાપ કે ખોટી વાત નથી, પરંતુ આજના સમયમાં ખોટા પાત્ર સાથે ફસાઈને મુશ્કેલીમાં ન મૂકાવું જોઈએ.
દીકરીઓએ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવી જોઈએ
નરેશ પટેલે દીકરીઓને શિખામણ આપતા જણાવ્યું કે, આજની દીકરીઓએ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવી જોઈએ, પરંતુ તેની સાથે પોતાની મર્યાદાઓ પણ જોવી જોઈએ. આજના ડિજિટલ યુગમાં દીકરીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ જ ઝડપથી ખોટા આકર્ષણમાં ફસાઈ જાય છે, જેનાથી બચવાની જરૂર છે. જો કોઈને પ્રેમ થાય, તો એ વાતનો પણ વિચાર કરવો જોઈએ કે આ પ્રેમને માતા-પિતા સ્વીકારશે કે કેમ? કારણ કે જ્યારે પ્રેમ થયા બાદ પરિસ્થિતિ બગડે છે ત્યારે આખો પરિવાર મુશ્કેલીમાં મુકાય છે. જેમના ઘરે દીકરી હોય, તે પિતા જ સમજી શકે છે કે આવી સ્થિતિમાં પરિવાર પર શું વીતે છે.
https://youtu.be/sAaXhejgd44
લતા મંગેશકરમાંથી પ્રેરણા લેવા અપીલ
તેમણે વધુમાં ઉમેર્યું કે, "આ ચિંતા માત્ર પાટીદાર પરિવારની સિંગર દીકરીઓની જ નથી, પરંતુ તમામ સમાજની દીકરીઓની છે. દીકરીઓ આજના સમયમાં સિંગર બની શકે છે અને દરેક ક્ષેત્રમાં ટોચ પર પહોંચી શકે છે, પરંતુ તેમણે દેશના સૌથી મોટા ગાયિકા લતા મંગેશકરના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ કે તેમણે કઈ રીતે મર્યાદામાં રહીને સર્વોચ્ચ સિદ્ધિ મેળવી." છેલ્લે તેમણે શ્રદ્ધાનો સંદેશ આપતા કહ્યું કે, દરેક દીકરીએ ઈશ્વર ઉપર ભરોસો રાખવો જોઈએ. જો પ્રેમ કે મનગમતું પાત્ર ભાગ્યમાં હશે તો તેને દુનિયાની કોઈ તાકાત છીનવી નહીં શકે.
આ પણ વાંચો : Sandesh Indepth : સુરતમાં સંકોચાતી ખાડી બની 'ડેથ ટ્રેપ', 1 હજાર કરોડની જાહેરાતો માત્ર કાગળ પર, 9.23 લાખ નાગરિકો આજે પણ જોખમમાં