રાજકોટ ખાતે ખાંડના સતત વધી રહેલા ભાવ અંગે ચર્ચા જગાવતા મામલે પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દેશમાં ખાંડના વધી રહેલા ભાવોનું ઠીકરું આંતરરાષ્ટ્રીય પરિબળો પર ફોડ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ખાંડના વધતા ભાવને માત્ર સ્થાનિક ઉત્પાદન સાથે સાંકળીને જોવું યોગ્ય નથી, કારણ કે આ વધારા પાછળ વૈશ્વિક બજારના પરિબળો મુખ્યત્વે ભાગ ભજવી રહ્યા છે.

શેરડીનું વિક્રમી ઉત્પાદન છતાં ભાવ ઐતિહાસિક ટોચ પર

સાંસદ રૂપાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે દેશમાં શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું નથી, પરંતુ વધીને આશરે 50 કરોડ ટને પહોંચી ગયું છે. દેશમાં ઉત્પાદનનો આંકડો આટલી મોટી સપાટીએ હોવા છતાં બજારમાં ખાંડના ભાવ ઐતિહાસિક ટોચ પર જોવા મળી રહ્યા છે. તેથી ભારતીય બજારમાં ભાવ વધારા પાછળ સ્થાનિક સ્તરે અછત નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર સર્જાયેલી પરિસ્થિતિ અને વૈશ્વિક માગ-પુરવઠાનું ગણિત મુખ્ય કારણ છે.

સ્થાનિક પુરવઠા અને વૈશ્વિક બજારનું ગણિત

આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ ઉંચા જવાને કારણે વૈશ્વિક વેપારના સમીકરણો બદલાયા છે, જેની સીધી અસર ભારતીય બજારની કિંમતો પર પડી રહી છે. સ્થાનિક સ્તરે પૂરતો પુરવઠો હોવા છતાં આંતરરાષ્ટ્રીય પરિબળોના દબાણ હેઠળ ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહ્યા છે. આમ, દેશમાં શેરડી અને ખાંડનું મબલખ ઉત્પાદન હોવા છતાં વૈશ્વિક સ્થિતિના કારણે ગ્રાહકોને ઊંચી કિંમત ચૂકવવી પડી રહી હોવાનું રૂપાલાના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે.

આ પણ વાંચો : Bhavnagar લઠ્ઠાકાંડમાં SMC ની એન્ટ્રી, IGP ગગનદીપ ગંભીર દોડી આવ્યા, ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક