રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં હેવી વીજલાઇન નાખવાની કામગીરી અને ટ્રાન્સમિશન કોરિડોરના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. પડધરી પંથકમાં ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓને લઈને 3 દિવસના પ્રતીક ઉપવાસ આંદોલનની શરૂઆત કરી દીધી છે. આ આંદોલનમાં તાલુકાના વિવિધ ગામના લોકો અને અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈને સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે.
6 ગામોમાં લાઈન નાખવાની કામગીરી સત્તાવાર રીતે શરૂ
મળતી વિગતો અનુસાર, આ તાલુકાના અંદાજે 44 ગામોમાંથી ભારે ક્ષમતા ધરાવતી હેવી વીજ લાઈનો પસાર થઈ રહી છે, જેમાંથી હાલમાં 6 ગામોમાં લાઈન નાખવાની કામગીરી સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે.
લાઈનોના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોની લડત
જો કે પોતાની કિંમતી જમીનમાંથી પસાર થતી આ લાઈનોના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો લડત ચલાવી રહ્યા છે. પડધરીના આ ખેડૂત આંદોલનને હવે પાડોશી જિલ્લા મોરબીના ખેડૂતોનો પણ મજબૂત ટેકો સાંપડ્યો છે. ખેડૂત અગ્રણી મનોજ પનારા પણ મોરબીથી ખાસ પડધરી ખાતે ઉપવાસી ખેડૂતોને સમર્થન આપવા ઘટનાસ્થળે પહોંચ્યા છે.
જેતપરના ખેડૂતોનો પ્રતિનિધિ મોકલવાનો ઇનકાર
બીજી તરફ, જેતપરના આક્રોશિત ખેડૂતોએ માર્કેટ રેટ કમિટીમાં પોતાનો કોઈ પ્રતિનિધિ મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. રેવન્યુ તલાટી મંત્રી જ્યારે MRC કમિટીના પ્રતિનિધિ નક્કી કરવા માટે ગામમાં પહોંચ્યા ત્યારે ખેડૂતોએ સામૂહિક વિરોધ કરીને ફોર્મ ભરવાની ના પાડી દીધી હતી. ખેડૂતોનું કહેવું છે કે, "જ્યાં સુધી સરકારનો જૂનો પરિપત્ર મંજૂર ન થાય ત્યાં સુધી અમે કોઈ કાગળ પર સહી નહીં કરીએ અને કમિટીમાં અમારો કોઈ પ્રતિનિધિ મોકલીશું નહીં." ખેડૂતોએ પોતાની લેખિત માંગણીઓ સરકાર સુધી પહોંચાડી દીધી છે અને વળતરની આ લડાઈને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : રેલવે ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ, દેશની પ્રથમ ‘હાઇડ્રોજન ટ્રેન’આજથી દોડશે, વાંચો આ ટ્રેન કઇ રીતે ચાલે છે અને તેના ફાયદા- ગેરફાયદા