ગાંધીના ગુજરાતમાં કાગળ પરની દારૂબંધીના લીરેલીરા ઉડાડતો વધુ એક હાઈપ્રોફાઇલ કાંડ રંગીલા રાજકોટના કાલાવડ રોડ સ્થિત ‘હોટેલ સરાઝા’માં સામે આવ્યો છે. નામાંકિત ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના જન્મદિવસની આડમાં યોજાયેલી ભવ્ય મહેફિલમાં જ્યારે દારૂ અને હુક્કાની રેલમછેલ ચાલી રહી હતી, ત્યારે અડધી રાત્રે પડેલા દરોડાએ શહેરના વગદાર વર્ગ અને ખાખી વર્દીની મિલીભગતની પોલ ખોલી નાખી છે. આ માત્ર એક દારૂ પાર્ટી નથી, પરંતુ સત્તા, સંપત્તિ અને સિસ્ટમની નિર્લજ્જ સાંઠગાંઠનું વરવું પ્રદર્શન છે.

હાઈપ્રોફાઈલ ચહેરા, રાજકીય વગ અને 38 સામે ગુનો

હોટેલ સરાઝામાં યોજાયેલી મહેફિલમાં 33 મહિલાઓ અને 43 પુરુષો સહિત 75 થી વધુ લોકો સામેલ હતા. આ કાંડમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે ધ્રાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના ભાઈ અને વરમોરા ગ્રેનિટોના એમડી મનીષ વરમોરાનું નામ પણ મહેફિલમાં સામે આવ્યું.પોલીસે આ મામલે 38 લોકો સામે નામજોગ ગુનો નોંધ્યો છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું સત્તાધારી પક્ષના ધારાસભ્યના ભાઈ સામે કાયદો એ જ કડકાઈથી કામ કરશે જે સામાન્ય નાગરિક સામે કરે છે? કે પછી રાજકીય દબાણ હેઠળ તપાસ ફાઈલોમાં જ દબાઈ જશે?

રવિવારની રજામાં ‘VIP સેવા’: પોલીસ સ્ટેશન ખોલી તમામને જામીન

આ સમગ્ર પ્રકરણમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખાખી વર્દી વગદાર નબીરાઓ સામે સંપૂર્ણ નતમસ્તક થઈ ગઈ. સામાન્ય નાગરિક નાના ગુનામાં પણ દિવસો સુધી જેલના સળિયા ગણતો રહે છે, જ્યારે અહીં રવિવારની રજા હોવા છતાં ખાસ પોલીસ સ્ટેશન ખોલીને તમામ આરોપીઓને તાબડતોબ સ્ટેશન જામીન આપી મુક્ત કરી દેવાયા. કાયદાની રક્ષક પોલીસ જાણે ઉદ્યોગપતિઓ અને રાજકીય માથાઓની અંગત સેવક બની ગઈ હોય તેમ રજાના દિવસે પણ ‘VIP સર્વિસ’ પૂરી પાડવામાં આવી, જે સમગ્ર સિસ્ટમની કથળેલી દશા છતી કરે છે.

https://www.instagram.com/reel/DfLtuDFDxtl/?utm_source=ig_web_button_share_sheet

11 બોટલનો ‘હાસ્યાસ્પદ’ દાવો અને ખાખીની શંકાસ્પદ ભૂમિકા

દરોડા બાદ સૌથી મોટો સવાલ પોલીસની કાર્યવાહી અને દાવાઓ સામે ઊભો થયો છે. ડીસીપી રાકેશ દેસાઈ દાવો કરી રહ્યા છે કે સ્થળ પરથી માત્ર 11 બોટલ (ખાલી અને ભરેલી) મળી છે. 75થી વધુ અતિથિઓની હાઈપ્રોફાઈલ પાર્ટીમાં માત્ર 11 બોટલ? સવારે પોલીસની થાર ગાડીમાં જે મુદ્દામાલ ભરીને લઈ જવાયો તે દ્રશ્યો કેમેરામાં કેદ થયા બાદ જનતા પૂછી રહી છે કે બાકીનો જથ્થો ક્યાં ગાયબ થઈ ગયો? આટલી મોટી ઘટના છતાં શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર 12 કલાક સુધી કેમેરા સામે કેમ ન આવ્યા? શું સમગ્ર મામલે મોટા માથાઓને બચાવવા માટે ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે?

નંબર પ્લેટ વિનાની મર્સિડીઝ અને વીમા વિનાની લક્ઝરી કારો

હોટેલના પાર્કિંગમાં ઊભેલી કરોડો રૂપિયાની લક્ઝ્યુરિયસ કારોએ ટ્રાફિક પોલીસ અને આરટીઓની પણ પોલ ખોલી છે.અનેક મોંઘીદાટ ગાડીઓના ઈન્સ્યોરન્સ 2023, 2025 અને 2026માં પૂરા થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.નંબર પ્લેટ વિનાની મર્સિડીઝ કાર આખા શહેરમાં ખુલ્લેઆમ દોડતી રહી છતાં પોલીસે ક્યારેય કેમ ન રોકી? હેલ્મેટ કે સીટબેલ્ટ માટે સામાન્ય જનતા પાસેથી સેંકડો રૂપિયાનો દંડ વસૂલતી પોલીસને નબીરાઓની નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં કોની શરમ નડે છે?

https://www.instagram.com/reel/DfLu1sIkQEz/?utm_source=ig_web_button_share_sheet

મીડિયા પર હુમલો અને અંધારપટનો ખેલ

જ્યારે મીડિયાકર્મીઓ સત્ય ઉજાગર કરવા પહોંચ્યા ત્યારે હોટેલ સરાઝાના સ્ટાફ અને સિક્યોરિટીએ ગુંડાગીરી આચરી સંદેશ ન્યૂઝની ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આરોપી યુવતીઓ અને ઉદ્યોગપતિઓને જ્યારે પોલીસ બસમાં બેસાડવામાં આવી રહ્યા હતા ત્યારે હોટેલમાં જનરેટર હોવા છતાં લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. આ અંધારપટ કોના ઈશારે અને કોને છુપાવવા માટે કરવામાં આવ્યો હતો તે એક ખુલ્લું રહસ્ય છે.

આ પણ વાંચો: Rajkot: સત્તાના નશામાં શરાબની મહેફિલ! સરાઝા દારૂ કાંડમાં ભાજપના ધારાસભ્યના ભાઈનું નામ ખુલતાં સન્નાટો