ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પરની પોકળ વાતો છે અને કાયદો માત્ર ગરીબ-મધ્યમવર્ગીય જનતાને દંડવા માટે જ બન્યો છે તેનો સૌથી વરવો પુરાવો રંગીલા રાજકોટના કાલાવડ રોડ સ્થિત ‘હોટેલ સરાઝા’માંથી સામે આવ્યો છે. ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના બર્થ-ડેની આડમાં યોજાયેલી અબજોપતિઓની શરાબ અને હુક્કા મહેફિલ પર દરોડા પાડ્યા બાદ હવે ખાખી વર્દી સત્તા અને સંપત્તિના પગતળે સંપૂર્ણપણે નતમસ્તક થઈ ચૂકી છે.

અબજોપતિઓની મહેફિલ સામે ખાખી વર્દી નતમસ્તક 

સામાન્ય નાગરિક કોઈ નાની કલમમાં ફસાય તો રવિવારની રજા હોવાનું કહી સોમવાર સુધી જેલના સળિયા ગણાવતી રાજકોટ પોલીસે આ અબજોપતિ નબીરાઓ માટે રવિવારના દિવસે પણ ખાસ ‘VIP દરબાર’ ખોલ્યો હતો. પોલીસ સ્ટેશનના તાળાં ખોલીને 38 આરોપીઓને તાબડતોબ સ્ટેશન જામીન આપી મુક્ત કરી દેવામાં આવ્યા. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ખાખી વર્દી કાયદાની રક્ષક નહીં, પરંતુ રાજકીય માથાઓ અને ધનાઢ્ય ઉદ્યોગપતિઓની અંગત સેવક બનીને કામ કરી રહી છે.

રવિવારે ‘VIP સેવા’ સામાન્ય માણસ જેલમાં, કરોડપતિઓ ઘેર!

કાયદાકીય પ્રક્રિયાના નામે સામાન્ય કેસમાં રવિવારે કોઈ અધિકારી કે બેલ બોન્ડ લેવા તૈયાર નથી થતા. પરંતુ ડેકોરા ગ્રુપ અને વરમોરા ગ્રુપના વગદારો માટે રવિવારે આખું પોલીસ સ્ટેશન હાઈ-એલર્ટ પર મુકાઈ ગયું હતું અને કાગળો તૈયાર કરી તમામ આરોપીઓને ઘરભેગા કરી દેવાયા હતા. પોલીસ સ્ટેશને જામીન આપવા પહોંચેલા ધનાઢ્યોના મળતિયાઓ મીડિયાના કેમેરા જોઈને મોં સંતાડીને ભાગ્યા હતા. ડ્રાઈવરોના ફોનથી જામીનદાર ગોઠવાયા અને જાહેરમાં "આખું ગામ પીવે છે, ગુજરાત બહાર જઈને પીવું જોઈએ" જેવી નિર્લજ્જ દલીલો કરીને કાયદાની મજાક ઉડાડવામાં આવી.

આ પણ વાંચો: Rajkot: સત્તાના નશામાં શરાબની મહેફિલ! સરાઝા દારૂ કાંડમાં ભાજપના ધારાસભ્યના ભાઈનું નામ ખુલતાં સન્નાટો