ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમાન પવિત્ર તહેવાર 'ભાઈબીજ' નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા શહેરની તમામ બહેનો માટે અત્યંત આનંદદાયક અને સંવેદનશીલ ભેટની જાહેરાત કરવામાં આવી છે. ભાઈબીજના પાવન અવસરે બહેનો પોતાના ભાઈના ઘેર સુખરૂપ, સરળતાથી અને કોઈ પણ પ્રકારના આર્થિક ખર્ચ વગર પહોંચી શકે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ સિટી બસ (RMTS) તેમજ BRTS બસોમાં મહિલાઓ માટે આખો દિવસ સંપૂર્ણપણે મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરમાં ગમે ત્યાં જાવ ટિકિટનો કોઈ ખર્ચ નહીં

ભાઈબીજના દિવસે વહેલી સવારની પ્રથમ બસથી લઈને રાત્રિની આખરી સેવા સુધી મહિલા મુસાફરો પાસેથી કોઈપણ પ્રકારનું ટિકિટ ભાડું વસૂલવામાં આવશે નહીં. રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા સંચાલિત 150 ફૂટ રિંગ રોડ પર દોડતી તમામ BRTS બસો તેમજ શહેરના તમામ આંતરિક અને છેવાડાના વિસ્તારોને જોડતી સિટી બસોમાં આ સુવિધા ઉપલબ્ધ રહેશે. શહેરના કોઈપણ ખૂણેથી ગમે તે સ્થળે જવા માટે બહેનો જેટલી વાર ઈચ્છે તેટલી વાર આ વિનામૂલ્યે મુસાફરીનો લાભ ઉઠાવી શકશે.

તહેવારના ધસારાને પહોંચી વળવા વધારાનું આયોજન

ભાઈબીજના દિવસે શહેરમાં બહેનોની અવરજવર ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હોવાથી બસ સ્ટોપ અને બસ સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળતો હોય છે.આ ધસારાને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપાના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મુખ્ય રૂટો પર જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવા અને સમયપત્રક જાળવી રાખવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.મનપાના આ સરાહનીય નિર્ણયથી હજારો મધ્યમ અને સામાન્ય વર્ગની મહિલાઓને તહેવાર ટાણે સીધો મોટો આર્થિક લાભ થશે અને મુસાફરી સરળ બનશે.

આ પણ વાંચો: Surat: હાઈકોર્ટના ચાબખા બાદ મનપા ભીંસમાં! નાસીરનગરના અસરગ્રસ્તોને ઘર મળશે કે રસ્તા પર જ રહેશે?