સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા વિવાદિત નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં હવે કાનૂની અને વહીવટી ગૂંચવણો ચરમસીમાએ પહોંચી છે. ડિમોલિશન બાદ ઘરવિહોણા બનેલા નાસીરનગરના અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ ફાળવવા કે અન્ય કોઈ વ્યવસ્થા કરવી તે અંગે આગામી સોમવારે સુરત મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠકમાં નિર્ણાયક ફેંસલો લેવામાં આવશે.

વિવાદિત નાસીરનગર ડિમોલિશન પ્રકરણ

ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી તીખી સુનાવણી અને અદાલત દ્વારા પાલિકા તંત્ર પાસે માંગવામાં આવેલા આકરા જવાબોને પગલે મનપાની કામગીરી અને નીતિ-નિયમો સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ પરિસ્થિતિ વચ્ચે મનપાના અફોર્ડેબલ હાઉસિંગ વિભાગે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નિર્ણય લેવા માટે સત્તાવાર દરખાસ્ત રજૂ કરી છે, જેમાં સ્પષ્ટ જણાવી દેવાયું છે કે પાલિકાની વર્તમાન પોલિસી મુજબ રસ્તાના દબાણકર્તાઓને આવાસ ફાળવવાની કોઈ જોગવાઈ જ નથી.

21 હજારનું વેઇટિંગ અને પોલિસીનો અવરોધ

 અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવેલી દરખાસ્તમાં સ્પષ્ટ નિર્દેશ કરાયો છે કે સુરત મનપાની પ્રવર્તમાન હાઉસિંગ પોલિસીમાં રસ્તા પરના દબાણો હટાવ્યા બાદ અસરગ્રસ્તોને મફતમાં કે વૈકલ્પિક રીતે આવાસ આપવાની કોઈ માન્ય જોગવાઈ નથી.પાલિકા સમક્ષ સૌથી મોટો વ્યવહારુ પડકાર એ છે કે શહેરના કાયદેસર અને ગરીબ 21,000 થી વધુ અરજદારો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંબા સમયથી મકાન મેળવવા માટે પ્રતીક્ષા યાદી (Waiting List) માં છે. આવા સંજોગોમાં નિયમો નેવે મૂકીને સીધા નાસીરનગરના લોકોને આવાસ ફાળવવા સામે નીતિગત મોટો વિવાદ છેડાઈ શકે છે.અગાઉ JNNURM યોજના હેઠળ અડાજણ અને ભેસ્તાન આવાસ પ્રોજેક્ટમાં 28 અસરગ્રસ્તો માટે ઓગસ્ટ 2026 માં ડ્રો પણ આયોજિત કરાયો હતો. જોકે, અસરગ્રસ્તો દ્વારા પસંદગીના સ્થળે મકાન માંગવા સહિતના વિરોધને કારણે આ સમગ્ર ફાળવણી પ્રક્રિયા અધવચ્ચે જ અટકાવી દેવાની ફરજ પડી હતી.

હાઈકોર્ટની લાલ આંખ બાદ સ્ટેન્ડિંગ કમિટી પર સમગ્ર મદાર

નાસીરનગરના ડિમોલિશન મામલે અસરગ્રસ્તો હાઈકોર્ટ પહોંચ્યા હતા, જ્યાં કોર્ટે પાલિકાની આકરી ઝાટકણી કાઢી હતી અને અસરગ્રસ્તોના પુનર્વસન અંગે સવાલો ઉઠાવ્યા હતા.કોર્ટના દબાણ અને બીજી તરફ નિયમોની મર્યાદા વચ્ચે ઘેરાયેલા પાલિકા કમિશનર અને વહીવટી તંત્રે હવે સમગ્ર બોલ ચૂંટાયેલી પાંખ એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના કોર્ટમાં ફેંક્યો છે.સોમવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસકો કાયદાકીય માર્ગ કાઢીને માનવતાના ધોરણે વિશેષ કેસ ગણી આવાસ ફાળવવાનો વચગાળાનો રસ્તો કાઢે છે કે પછી પોલિસીના નિયમો આગળ ધરીને દરખાસ્તમાં સુધારો સૂચવે છે તેના પર સમગ્ર શહેરની નજર મંડાયેલી છે.

આ પણ વાંચો: Vadodara: ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયની જામીન અરજી ફગાવાઈ, જેલમાં જ રહેશે!