વડોદરામાં ભારે ચકચાર જગાવનારા ગોત્રી દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી અને બગલામુખી માતાના તાંત્રિક તરીકે ઓળખ ધરાવતા પ્રશાંત ગુરુ ઉર્ફે પ્રશાંત ઉપાધ્યાયને અદાલત તરફથી વધુ એક મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. વડોદરા સેશન્સ કોર્ટે આરોપી પ્રશાંત ઉપાધ્યાય દ્વારા રજૂ કરવામાં આવેલી નિયમિત જામીન અરજીને આખરે ફગાવી દીધી છે. આરોપીએ પોતાની વૃદ્ધ માતાની નાદુરસ્ત તબિયત અને સારવારની દેખરેખનું કારણ આગળ ધરીને જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. જોકે, સરકારી વકીલની ધારદાર દલીલો અને અગાઉના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખીને અદાલતે આ કારણોને પૂરતા કે અગત્યના ન ગણતાં જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
અગાઉ જામીન મળતાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો
વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં એક યુવતી પર દુષ્કર્મ આચરવા, છેતરપિંડી અને ધાકધમકી આપવા સહિતના ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધાયા બાદથી તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય જેલના સળિયા પાછળ બંધ છે. આરોપી પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેની માતાની તબિયત ખરાબ રહેતી હોવાથી માનવતાના ધોરણે તેને જામીન મળવા જોઈએ. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે પરિવારમાં અન્ય સભ્યો હાજર હોવાથી આ કારણ જામીન માટે પૂરતું ગણી શકાય નહીં. કોર્ટ સમક્ષ સરકારી વકીલે ભારપૂર્વક રજૂઆત કરી હતી કે અગાઉ જ્યારે આરોપીને શરતી રાહત મળી હતી, ત્યારે તેણે કાયદાની પ્રક્રિયાથી બચવા અને તપાસ ગેરમાર્ગે દોરવા માટે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો તેને ફરીથી જામીન આપવામાં આવે તો તે સાક્ષીઓ પર દબાણ લાવી શકે છે અથવા ન્યાયિક પ્રક્રિયામાં અડચણ ઊભી કરી શકે છે.અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુનાની ગંભીરતા અને આરોપીના વર્તનને ધ્યાનમાં રાખીને જામીન અરજી સીધી ફગાવી દીધી હતી.
બગલામુખી માતાના નામે તૂત ચલાવતો હતો પ્રશાંત ગુરુ
ઉલ્લેખનીય છે કે પ્રશાંત ઉપાધ્યાય પોતાને બગલામુખી સાધના કેન્દ્રના સંચાલક અને સિદ્ધ તાંત્રિક તરીકે રજૂ કરીને લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો.ગોત્રી વિસ્તારમાં એક આશાસ્પદ યુવતીને ધાર્મિક વિધિ અને મુશ્કેલીઓ દૂર કરવાના નામે પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર રાજ્યમાં ભારે હોબાળો મચ્યો હતો.કોર્ટ દ્વારા જામીન અરજી રદ કરી દેવામાં આવતાં હવે આરોપી પ્રશાંત ઉપાધ્યાયે આગળનો સમય પણ જેલમાં જ વિતાવવો પડશે.
આ પણ વાંચો: Surat: દિવાળીની પૂર્વ રાત્રે શહેરમાં આગના 25 બનાવો, વેસુ-સિટીલાઈટની હાઈરાઈઝ અને મોટા વરાછામાં વાહનો આગની ઝપેટમાં