પ્રકાશના મહાપર્વ દિવાળીના ઉત્સાહ અને રોશની વચ્ચે સુરત શહેરમાં આગની શ્રેણીબદ્ધ ઘટનાઓએ ભારે દોડધામ અને ફફડાટનો માહોલ સર્જ્યો હતો. દિવાળીની પૂર્વ રાત્રે ફટાકડાના તણખા, રોકેટ અને ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં નાની-મોટી આગની વણઝાર સર્જાઈ હતી. સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમમાં મોડી રાતથી લઈને વહેલી સવાર સુધીમાં આગ અને ઇમરજન્સી રેસ્ક્યૂના અધધ... ૨૫ જેટલા કોલ નોંધાયા હતા. પોશ ગણાતા વેસુ અને સિટીલાઈટ વિસ્તારની હાઈરાઈઝ બિલ્ડિંગોથી લઈને મોટા વરાછા અને જહાંગીરપુરા સુધી ફાયર ફાઈટરોની સાયરનો સતત ગુંજતી રહી હતી. જોકે, ફાયર વિભાગની ત્વરિત અને સમયસરની કાર્યવાહીથી તમામ સ્થળોએ આગ કાબૂમાં આવી જતાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.

હાઈરાઈઝ બિલ્ડિંગો, ખેતરો અને વાહનો આગની ઝપેટમાં

શહેરના વીઆઈપી વિસ્તાર ગણાતા વેસુ અને સિટીલાઈટની કેટલીક બહુમાળી રહેણાંક ઇમારતો (હાઈરાઈઝ બિલ્ડિંગો) ના ઉપરના માળે તેમજ બાલ્કનીઓમાં ફટાકડાના તણખા પડતાં આગ ભભૂકી ઊઠી હતી, જેના કારણે ફ્લેટધારકોમાં નાસભાગ મચી ગઈ હતી. મોટા વરાછા વિસ્તારમાં પાર્કિંગમાં મુકેલા વાહનો નજીક ફટાકડા ફૂટતાં અથવા તણખા પડતાં વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા અને ભારે નુકસાન થયું હતું. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ખેતરોમાં સૂકા ઘાસચારા પર રોકેટ કે તણખા પડવાના કારણે ખુલ્લા ખેતરોમાં આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. સુમન ડેરી રોડ પર અચાનક ગેસ લીકેજની ઘટના સામે આવી હતી, જ્યારે પાલનપુર વિસ્તારમાં આવેલી વીજ ડીપીમાં પ્રચંડ ધડાકા સાથે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી.

તાબડતોબ પાણીનો મારો ચલાવી સ્થિતિ સંભાળી

તહેવારને ધ્યાને રાખીને પહેલેથી જ એલર્ટ મોડ પર રહેલા સુરત ફાયર બ્રિગેડના તમામ સ્ટેશનોની ટીમો કોલ મળતાં જ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ફાયર જવાનોએ હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને વોટર બાઉઝરની મદદથી પાણીનો સતત મારો ચલાવી તમામ ૨૫ સ્થળોએ સમયસર આગને કાબૂમાં લઈ લીધી હતી.ફાયર વિભાગની ચપળતાના કારણે આગ રહેણાંક વિસ્તારોમાં વધુ ફેલાતી અટકી હતી અને કરોડોની સંપત્તિ તેમજ સેંકડો નાગરિકોના જીવ બચી ગયા હતા.ફાયર ઓફિસરોએ નાગરિકોને અપીલ કરી છે કે ધાબા પર, બાલ્કની નજીક કે વાહનોની આસપાસ સાવચેતીપૂર્વક ફટાકડા ફોડવા અને કટોકટીના સમયે તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.

આ પણ વાંચો: Ahmedabad: બાવળા-બગોદરા હાઈવે પર તિવાના ઓઈલ મિલ્સનો ટાવર ભડકે બળ્યો; કામદારો જીવ બચાવવા બહાર દોડ્યા!