રાજકોટ શહેરના પ્રજાજનોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા આક્રમક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી અધિકારીઓની અલગ-અલગ ટીમો બનાવી શહેરના પૂર્વ, પશ્ચિમ અને સેન્ટ્રલ એમ ત્રણેય ઝોનમાં આવેલા વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ, મસાલાના વેપારીઓ અને ડેરી યુનિટો સહિત કુલ 48 પેઢીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
RMC ફૂડ શાખાના દરોડા
આ તપાસ દરમિયાન અનેક સ્થળે અત્યંત અસ્વચ્છ વાતાવરણ અને વાસી ખોરાકનો સંગ્રહ થતો હોવાનું સામે આવ્યું હતું.તપાસ દરમિયાન ફૂડ શાખાની ટીમે જુદા જુદા એકમોમાંથી કુલ 2,600 કિલોગ્રામથી વધુ વાસી, રોગચાળો ફેલાવે તેવો અખાદ્ય ખોરાક જપ્ત કરી તુરંત જ મનપાના ડમ્પિંગ સાઇટ પર નાશ કરાવ્યો હતો. આ સિવાય અગાઉ તપાસ દરમિયાન ગુણવત્તાહીન માલુમ પડતાં સ્થગિત (Seized) કરવામાં આવેલો મરચાની ભૂકીનો મોટો જથ્થો પણ વિધિવત રીતે નાશ કરવામાં આવ્યો હતો.
