રાજકોટ શહેર તેના સ્વાદિષ્ટ ખોરાક અને ખાણીપીણીની સંસ્કૃતિ માટે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે, પરંતુ આ સ્વાદ પાછળ નાગરિકોના આરોગ્ય સાથે કેવા ભયાનક ખેલ ખેલાય છે તેનો પર્દાફાશ આજે આરએમસીના આરોગ્ય વિભાગે કર્યો છે. ચોમાસાની ઋતુ શરૂ થતાં જ પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે મ્યુનિસિપલ કમિશનરની કડક સૂચના બાદ ફૂડ ઇન્સ્પેક્ટરોની જુદી-જુદી ટીમો સવારથી જ એક્શનમાં આવી હતી.


રસોડાની ગંદકી જોઈ અધિકારીઓ હેબતાઈ ગયા

આરોગ્ય વિભાગની ટીમે જ્યારે શહેરની જાણીતી 'તુલસી બેકરી' અને 'ક્રિષ્ના રેસ્ટોરન્ટ' ના પ્રોડક્શન યુનિટ અને રસોડામાં તપાસ હાથ ધરી ત્યારે ત્યાં ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. બેકરી પ્રોડક્ટ્સ બનાવવા માટે રાખવામાં આવેલો લોટ અઠવાડિયા જૂનો અને વાસી હતો, જેમાં જીવાત પડી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત 'પટેલ સ્વીટ' અને 'પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીન' માંથી પણ અખાદ્ય માવો અને વાસી તેલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ તમામ ૫૦૦ કિલો સામગ્રીને જપ્ત કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના કચરાના ડમ્પિંગ યાર્ડ ખાતે મોકલી નાશ કરવામાં આવ્યો હતો.

આગામી દિવસોમાં વધુ કડક ચેકિંગના આદેશ

આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, સીલ કરાયેલી આ ચારેય પેઢીઓ જ્યાં સુધી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ધારાધોરણો મુજબ જરૂરી સુધારા અને સફાઈ નહીં કરે ત્યાં સુધી તેમના સીલ ખોલવામાં નહીં આવે. તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાના કારણે રાજકોટના અન્ય હોટેલ, રેસ્ટોરન્ટ અને સ્વીટ માર્ટના માલિકોમાં ભારે દોડધામ મચી ગઈ છે. પ્રશાસને લોકોને પણ અપીલ કરી છે કે કોઈ પણ જગ્યાએ વાસી કે શંકાસ્પદ ખોરાક દેખાય તો તુરંત જ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ પર ફરિયાદ નોંધાવે.

આ પણ વાંચો: Ahmedabad: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી, તોફાની પવન સાથે મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ

  • Follow us on: