રાજકોટના નાગરિકો સવારના નાસ્તાથી લઈને રાત્રિના ડિનર સુધી પનીરની વાનગીઓના ભારે શોખીન છે, પરંતુ આ જ પનીર તમારા લીવર અને પેટને અંદરથી સડાવી રહ્યું હોવાનો ચોંકાવનારો લાઈવ પુરાવો મનપાની રેડમાં સામે આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની કડક સૂચના બાદ ડેપ્યુટી ફૂડ કમિશનર અને હેલ્થ ઓફિસરોની અલગ-અલગ ટીમોએ શહેરમાં પનીરનું જથ્થાબંધ ઉત્પાદન અને આસપાસના જિલ્લાઓમાં વિતરણ કરતી ફેક્ટરીઓ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન ભયાનક ગંદકીના દ્રશ્યો
ફૂડ વિભાગની ટીમે જ્યારે 'ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ', 'શ્યામ ડેરી' અને 'શ્યામ ડેરી પ્રોડક્ટ્સ' ના ઉત્પાદન એકમો પર લાઈવ સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે ત્યાં ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ હતી કે પનીર બનાવવા માટે જે મલાઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, તેના પર લીલા અને કાળા રંગની ભયાનક ફૂગ જામી ગઈ હતી. આશરે 500 કિલો જેટલી આ ઝેરી મલાઈમાંથી પનીર બનાવીને બજારમાં શુદ્ધ પનીર તરીકે ઊંચા ભાવે લાઈવ વેચવાનું નેટવર્ક ચાલતું હતું. પોલીસે અને ફૂડ ઇન્સ્પેક્ટરોએ આ આખા 500 કિલોના જથ્થાને કેમિકલ પ્રોસેસ કરીને તાત્કાલિક ડમ્પિંગ સાઇટ પર નાશ કરાવ્યો હતો.










