રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય અને જનજન્ય રોગચાળો ન ફેલાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયો છે. મચ્છરોનો ઉપદ્રવ અને તેનાથી ફેલાતા ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોને અટકાવવા માટે તંત્ર દ્વારા રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
2864 થી વધુ સ્થળોએ સઘન તપાસ
RMCનું આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા શહેરના રહેણાંક વિસ્તારો, વ્યાવસાયિક કોમ્પ્લેક્સ, કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને ખુલ્લા પ્લોટ સહિત કુલ 2864 જેટલા સ્થળોએ મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો અંગે કડક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જ્યાં પણ ખુલ્લામાં પાણી ભરાયેલું જોવા મળ્યું અથવા મચ્છરોના પોરા મળી આવ્યા ત્યાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી.

217 લોકો દંડાયા, રૂ. 1.61 લાખનો દંડ વસૂલાયો
રાજકોટ મનપાની ચેકિંગ કામગીરી દરમિયાન જે સ્થળો પર મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા, તેવા 217 બેદરકાર આસામીઓ અને વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ બેદરકારી બદલ કુલ રૂ. 1.61 લાખનો રોકડ દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

1802 આસામીઓને મનપાની આકરી નોટિસ
દંડ ફટકારવા ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો રાખવા બદલ અને ભવિષ્યમાં સ્વચ્છતા ન જાળવવા અંગે કુલ 1802 આસામીઓને આકરી નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો નોટિસ આપ્યા બાદ પણ મચ્છરોનું બ્રીડિંગ મળશે, તો આગળ જતા વધુ આકરા પગલાં લેવામાં આવશે.

નાગરિકોને મનપાની સાવચેતી રાખવા અપીલ
રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે શહેરના તમામ નાગરિકોને અપીલ કરી છે કે, પોતાના ઘર, અગાસી, કૂલર, પક્ષીઓના કૂંડા, ટાયર અને વાસણોમાં પાણી જમા ન થવા દેવું. સપ્તાહમાં એકવાર 'ડ્રાય ડે' ઉજવીને પાણી ભરેલા તમામ પાત્રો સાફ કરવા, જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય અને શહેરને રોગચાળાથી મુક્ત રાખી શકાય.

આ પણ વાંચો - Rajkot News: શહેરમાં રિક્ષા ચાલકે ટક્કર મારતા એક્ટિવા સવાર પોલીસ કર્મીનું મોત