રાજકોટમાં તાજેતરમાં યોજાયેલી જંગલેશ્વર ડિમોલેશનની કામગીરી દરમિયાન માત્ર મિનરલ વોટર પાછળ રૂ. 12.40 લાખનો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. સામાન્ય જનતાના ટેક્સના પૈસાનો આ પ્રકારે વેડફાટ થતાં અને બજાર ભાવ કરતાં ઊંચા ભાવે પાણી ખરીદવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે ભારે હોબાળો મચ્યો છે.


[[$googlead]]

RMC સાંસ્કૃતિક મેનેજરનો ખુલાસો: 4500 લોકોની ફોજ તૈનાત હતી

આ ચર્ચાસ્પદ મામલે રાજકોટ મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગના મેનેજર કે. બી. ઉનાવાએ મીડિયા સમક્ષ આવીને બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જંગલેશ્વર ડિમોલેશનના સ્થળ પર માત્ર થોડા કર્મચારીઓ નહીં, પરંતુ 4000 થી 4500 જેટલા અધિકારીઓ, રાજકોટ મનપાના કર્મચારીઓ અને મજૂરો ફરજ પર તૈનાત હતા. આટલી મોટી સંખ્યામાં સ્ટાફ હોવાને કારણે પાણીનો વપરાશ પણ મોટા પ્રમાણમાં થયો હતો.

એક વ્યક્તિ રોજના 10થી 12 બોટલ પાણી પી ગઈ!

મેનેજર કે. બી. ઉનાવાએ ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે, સ્થળ પર હાજર સ્ટાફ પૈકી પ્રતિ વ્યક્તિ દૈનિક 10 થી 12 બોટલ પાણી વાપરવામાં આવતું હતું. જોકે, 200 મિલીની આ નાની બોટલોનો આટલો આંધળો વપરાશ કેવી રીતે થયો અને ખરેખર એટલું પાણી વપરાયું છે કે, માત્ર કાગળ પર જ બિલ ફાટ્યા છે, તેને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

[[$alsoread]]

રૂપિયા 5ની બોટલ રૂ. 8 માં ખરીદાઈ

સૌથી મોટો વિવાદ પાણીના ભાવને લઈને છે. બજારમાં જે 200 MLની મિનરલ વોટરની બોટલ છૂટકમાં રૂ. 5માં મળે છે, તે જ બોટલ કોર્પોરેશને રૂ. 8ના ભાવે ખરીદી છે. આ અંગે અધિકારીએ ગળે ન ઉતરે તેવો તર્ક આપ્યો કે, રોજકોટ મનપાએ રેટ કોન્ટ્રાક્ટ આધારિત બિલ મંજૂર કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, વર્ષ 2023ના ઓગસ્ટ મહિનામાં પણ આ બોટલનો બજારભાવ રૂ. 5 હતો અને આજે 2026ના જૂન મહિનામાં પણ તેનો ભાવ રૂ. 5 જ છે, છતાં મનપા સરકારી તિજોરીમાંથી રૂ. 8 ચૂકવી રહી છે!

ઉમિયા મંડપ સર્વિસને કોન્ટ્રાક્ટ: કોના આશીર્વાદથી મળી લહાણી?

વર્ષ 2023ના ઓગસ્ટ મહિનામાં 'ઉમિયા મંડપ સર્વિસ'ને બે વર્ષ માટે મિનરલ વોટર સપ્લાય કરવાનો આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સામાન્ય નિયમ મુજબ જથ્થાબંધ ખરીદીમાં સરકારી તંત્રને ડિસ્કાઉન્ટ મળવું જોઈએ, તેના બદલે અહીં બજારભાવ કરતાં વધુ ભાવ ચૂકવવામાં આવ્યા છે. આખરે આ મંડપ સર્વિસ પર કોના ચાર હાથ હતા કે, બે વર્ષ સુધી નિયમોને નેવે મૂકીને લહાણી કરવામાં આવી?


ભ્રષ્ટાચારની આશંકા: અગાઉના પદાધિકારીઓ શંકાના દાયરામાં

બજાર ભાવ કરતા વધુ ભાવ ચૂકવીને આચરવામાં આવેલા આ કથિત કૌભાંડમાં RMCના અગાઉના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની મિલીભગત હોવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. અધિકારીઓ ભલે રેટ કોન્ટ્રાક્ટનો બચાવ કરી રહ્યા હોય, પરંતુ રૂ. 12.40 લાખના પાણીના આ આંકડાએ રાજકોટ મનપાના વહીવટમાં ચાલતા 'પાણી પ્રવાહી' ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. હવે જોવાનું એ રહેશે કે, આ મામલે કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ થાય છે કે, પછી દર વખતની જેમ ફાઈલ દબાવી દેવામાં આવે છે.


આ પણ વાંચો - Rajkot: જંગલેશ્વર ડિમોલિશનમાં પાણીની જેમ પૈસા વહ્યા, હવે માત્ર પાણીનું જ બિલ 12 લાખ આવતા નવો વિવાદ


  • Follow us on: