રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક ગંભીર બેદરકારીએ એક નિર્દોષ પરિણીતાનો ભોગ લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના એસ.આર.પી (SRP) કેમ્પ નજીક સ્ટ્રીટ લાઇટના અભાવે અને રસ્તા પર અત્યંત જોખમી રીતે આવેલી 4 ફૂટ ઊંચી કુંડી સાથે બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પરિણીતા મિતાલીબેન કેસરિયાનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું છે.

6 સપ્ટેમ્બરે સ્ટ્રીટ લાઇટના અભાવે બાઇક અથડાયું હતું

મળતી વિગતો અનુસાર, આ સમગ્ર દુર્ઘટના ગત 6 સપ્ટેમ્બરના રોજ બની હતી. રાજકોટના એસ.આર.પી કેમ્પ નજીકના માર્ગ પર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી ઘોર અંધારું છવાયેલું હતું. અંધારાના કારણે રસ્તા પર આવેલી 4 ફૂટ ઊંચી કુંડી ન દેખાતા બાઇક તેની સાથે ધડાકાભેર અથડાયું હતું.

ગંભીર ઈજાઓ બાદ સારવાર દરમિયાન પરિણીતાએ દમ તોડ્યો

આ અકસ્માતમાં બાઇક પર સવાર પરિણીતા મિતાલીબેન કેસરિયાને માથા અને શરીરના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ ગઈકાલે હોસ્પિટલ બિછાને તેમનું દુઃખદ અવસાન થયું છે. મનપા તંત્રની સ્ટ્રીટ લાઇટ અને રસ્તા પરની જોખમી કુંડી અંગેની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનું સ્વજન ગુમાવતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Jamnagar: નશીલા પદાર્થો અંગે દરોડા દરમિયાન પોલીસ પર હુમલો! બાલાજી પાર્ક-3 વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ વિંગના કર્મચારી પર 4 શખ્સો તૂટી પડ્યા