રાજકોટ શહેરમાં ખાણી-પીણીના શોખીનોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સપાટો બોલાવીને શુદ્ધ પનીરના નામે નકલી અને સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવા ‘એનાલોગ પનીર’નું વેચાણ કરતા તત્વો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ મનપાની ફૂડ સેફ્ટી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં પનીર અને એનાલોગ પનીરના વિક્રેતાઓને ત્યાં વ્યાપક અને સઘન ચેકિંગ હાથ ધરતાં સમગ્ર વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મોરબી રોડ સેટેલાઇટ ચોકમાંથી 500 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું

આ રેડ દરમિયાન મનપાની ટીમને એક મોટી સફળતા મળી છે. મોરબી રોડ પર આવેલા સેટેલાઇટ ચોક વિસ્તારમાં ફૂડ વિભાગે બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન એક રહેણાંક રૂમમાંથી આશરે 500 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, પ્રકાશ પ્રવિણભાઇ હરસોડા નામનો વ્યક્તિ કોઈપણ પ્રકારના ફૂડ લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વિના આ પનીર ક્યુબ્સનું ગેરકાયદે વેચાણ કરતો હતો. તંત્ર દ્વારા આ તમામ જથ્થો જપ્ત કરી કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે.

અમદાવાદ કનેક્શન ખુલ્યું

આરોગ્ય વિભાગની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આ કૌભાંડના તાર છેક અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા વેપારી પ્રકાશ હરસોડાની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ જથ્થો અમદાવાદના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાંથી રાજકોટ ખાતે સપ્લાય કરવામાં આવતો હતો. અમદાવાદથી મંગાવવામાં આવેલું આ કેમિકલયુક્ત એનાલોગ પનીર રાજકોટની સ્થાનિક હોટલો, ઢાબા અને ડેરીઓમાં ‘શુદ્ધ મિલ્ક પનીર’ના નામે ઊંચા ભાવે પધરાવી દેવામાં આવતું હોવાની આશંકા સેવાઈ રહી છે.

આરોગ્ય અધિકારીની કડક ચેતવણી

રાજકોટ મનપાના મુખ્ય આરોગ્ય અધિકારીએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, ગ્રાહકોને અંધારામાં રાખીને એનાલોગ પનીર વેચનારાઓ સામે ગુનો નોંધી કડક પગલાં લેવાશે. અત્યાર સુધીમાં મનપા દ્વારા સપાટો બોલાવીને આવા કુલ 8 પનીરના એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, તમામ ડેરી અને પનીર વિક્રેતાઓએ પોતાના એકમ પર ગ્રાહકો સ્પષ્ટ જોઈ શકે તે રીતે ‘મિલ્ક પનીર’ અને ‘એનાલોગ પનીર’નું અલગથી સાઇનબોર્ડ દર્શાવવું ફરજિયાત રહેશે. જો આ નિયમનું ઉલ્લંઘન જણાશે, તો તે દુકાન કે એકમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવશે.

એનાલોગ પનીરથી થતી ગંભીર બીમારીઓ

આરોગ્ય નિષ્ણાતો અને તબીબોના જણાવ્યા અનુસાર, એનાલોગ પનીર કોઈ દૂધમાંથી નહીં પરંતુ કેમિકલ, પામ ઓઈલ, સ્ટાર્ચ અને ઘાતક વનસ્પતિ ફેટના મિશ્રણથી બનાવવામાં આવે છે. આ નકલી પનીરના નિયમિત સેવનથી માનવ શરીરમાં ગંભીર અને જીવલેણ બીમારીઓ ઘર કરી જાય છે.

  • મેદસ્વીતા: શરીરમાં અકુદરતી ફેટનું પ્રમાણ ઝડપથી વધારે છે.
  • હૃદય રોગનો હુમલો: ધમનીઓમાં નકામી ચરબી જામી જતાં હાર્ટ એટેકનું જોખમ અનેકગણું વધી જાય છે.
  • હાઈ બ્લડ પ્રેશર: લોહીનું દબાણ અનિયંત્રિત બને છે જે બ્રેઈન સ્ટ્રોક તરફ દોરી શકે છે.
  • ડાયાબિટીસ: શરીરમાં મેટાબોલિઝમ બગડવાથી અને ગ્લુકોઝ લેવલ ખોરવાતા ડાયાબિટીસ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે.


આ પણ વાંચો - Rajkot Ahmedabad Highway Accident: કોલેજથી પરત ફરી રહેલા વિદ્યાર્થીનું ટ્રકની ટક્કરે મોત