રાજકોટમાં વિરાસતથી વિકાસ લોકમેળાના પ્રથમ દિવસે જ જનઆરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોના સ્ટોલ્સ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે મેળામાં વેચાતી ફરાળી ચિપ્સ, ભૂંગળા બટેટા, ઢોકળા,ખીચું સહિતની વિવિધ ખાદ્યચીજોની કડક તપાસ કરી હતી.આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ભૂંગળા બટેટાના એક સ્ટોલ પરથી મોટી માત્રામાં સડેલા બટેટા મળી આવ્યા હતા જેનો આરોગ્યની ટીમે તાત્કાલિક ધોરણે જપ્ત કરી નાશ કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે સ્ટીમ ઢોકળા બનાવવા માટે વપરાતું તેલ, ચટણી તેમજ વિવિધ મસાલાઓની પણ ગુણવત્તા ચકાસી હતી.તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકમેળામાં કોઈપણ ખાદ્ય સ્ટોલ પરથી ખોરાક આરોગતા પહેલા તેની હાઈજેનિક કન્ડિશન ખાસ તપાસી લેવી. 

રાજકોટ મેળો

લોક મેળામાં 34 રાઇડ્સને મંજૂરી નહીં

જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે લોકોની સલામતી માટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.મેળામાં આવતા લોકોની સુરક્ષા સાથે કોઈપણ જાતનું સમાધાન ન કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે.તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જરૂરી મંજૂરી કે લાયસન્સ વિના એક પણ મોટી કે નાની યાંત્રિક રાઇડ શરૂ કરવા દેવામાં આવશે નહીં.13 સભ્યોની કમિટીનો નિર્ણય મેળામાં રાઇડ્સ શરૂ કરવા માટે 34 રાઇડ્સના 11 સંચાલકોએ મંજૂરી માટે અરજી કરી છે.

રાજકોટનો લોકમેળો

કમિટી સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ પોઝિટિવ અભિપ્રાય આપશે

મોટી રાઇડ્સની સુરક્ષા ચકાસણી માટે રચાયેલી 13 સભ્યોની કમિટી દ્વારા ગ્રાઉન્ડ પર એસઓપી મુજબ મશીનરી,બેઠક વ્યવસ્થા અને મજબૂતીની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે.આ 13 સભ્યોની કમિટી સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ પોઝિટિવ અભિપ્રાય આપશે.ત્યારબાદ જ લાયસન્સ આપવાની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.રાઇડ્સ શરૂ થવાની શક્યતા સુરક્ષા અને ફિટનેસ ચકાસણીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ સુરક્ષા નિયમોનું પાલન થયા બાદ રાઇડ્સની લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે.લાયસન્સ મળ્યા બાદ જ મુલાકાતીઓ માટે ચકડોળ અને અન્ય મોટી રાઇડ્સ ખુલ્લી મૂકાશે જેથી મેળો બીજા દિવસથી ખીલશે તેવી આશા સેવાઈ રહી છે.  

આ પણ વાંચોઃ Mehsanaમાં SMCનો મોટો ધડાકો, સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર 5 સ્થળે દરોડા, 13 આરોપીઓ દબોચાયા...