રાજકોટના કાલાવડ રોડ પર આવેલા વડ વાજડી ગામ પાસે અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે દોડતા કાળમુખા ટ્રકે (GJ 03 BY 4866) બાઈક સવાર પરિવારને અડફેટે લીધો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલક મિતેષભાઈ વાઘેલા (ઉં. વ. 33) અને તેમના પત્ની કવિતાબેન (ઉં. વ. 25)નું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ મૃતક મહિલા ચાર માસની ગર્ભવતી હતી. આ અકસ્માતમાં દંપતીનું મોત થતાં પરિવારનો માળો વિખાઈ ગયો છે.
5 વર્ષની માસૂમ પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ ભયાનક અકસ્માતમાં દંપતીના મોતની સાથે તેમની 5 વર્ષીય નાની પુત્રી જીનલ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અકસ્માત સર્જાતાની સાથે જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલી માસૂમ બાળકીને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે મેટોડા GIDC પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


