રાજકોટ ખાતે ગુજરાત હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગણીને લઈને રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે.રાજકોટને હાઇકોર્ટ બેન્ચ અપાવવાના મુદ્દે હવે રાજપૂત રાષ્ટ્રીય સભા અને ભારતીય જનતા પાર્ટી સામસામે આવી ગયા છે.ચૂંટણી સમયે ભાજપે આપેલા વચનો યાદ કરાવવા માટે RRS હવે ખુલ્લેઆમ મેદાને ઉતર્યું છે.આ મુદ્દાને ઉકેલવા માટે આગામી સમયમાં RRS દ્વારા અન્ય સામાજિક સંસ્થાઓને સાથે રાખીને ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. 

પાંચ દાયકાથી માત્ર વાયદાઓ જ કરવામાં આવી રહ્યા છે

રાજપૂત રાષ્ટ્રીય સભાના અગ્રણી નરેન્દ્રસિંહ જાડેજાએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેન્ચ આપવાની સ્પષ્ટ જાહેરાત કરી હતી. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ભાજપ સરકાર આ મહત્વપૂર્ણ વચન ભૂલી ગઈ છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા પાંચ દાયકાથી માત્ર વાયદાઓ જ કરવામાં આવી રહ્યા છે.પરંતુ પ્રજાને કોઈ નક્કર પરિણામ મળ્યું નથી.સંગઠન દ્વારા સરકારને 30 નવેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 

સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી

જો 30 નવેમ્બર સુધી તેમની રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવે અથવા ઉકેલ નહીં આવે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.RRS એ કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે જો હાઇકોર્ટ બેન્ચ અંગેની ન્યાયિક માંગણી સંતોષવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવાની માંગણી સાથે વ્યાપક ચળવળ શરૂ કરવામાં આવશે.રાજકોટ અને સૌરાષ્ટ્રના નાગરિકોને ન્યાય મેળવવા અમદાવાદ સુધી લાંબા ન થવું પડે તે માટે હાઇકોર્ટની બેન્ચ અત્યંત જરૂરી હોવાનું સંગઠને ભારપૂર્વક જણાવ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: દેશમાં કોર્ટ પેન્ડિંગ કેસમાં અમદાવાદ ચોથા અને સુરત 80માં ક્રમે, વિલંબના કારણો શોધાશે