રાજકોટ જિલ્લામાં ભૂમાફિયા અને ગેરકાયદે ખનીજ ચોરી કરનારાઓ સામે પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજકોટ રેન્જ અને સાપર પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને મોટા પાયે ચાલી રહેલી ગેરકાયદે ખનીજ ચોરીનો સનસનાટીભર્યો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ અચાનક કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પીઠડીયા અને શાપરમાંથી 4 ઈસમો રંગેહાથ ઝડપાયા
પોલીસ ટીમે પીઠડીયા અને શાપર વિસ્તારમાં આવેલી ખાણો અને બિનઅધિકૃત ઉત્ખનન સ્થળો પર રેડ કરી હતી. આ દરમિયાન ગેરકાયદે ખનીજનું ઉત્ખનન અને વહન કરતા 4 ઈસમોને પોલીસે સ્થળ પરથી જ રંગેહાથ ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં આ શખ્સો કોઈપણ જાતની મંજૂરી વગર સરકારી કે સરકારી મિલકતમાંથી કિંમતી ખનીજની ચોરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
રૂપિયા 1.39 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો
આ રેડ દરમિયાન પોલીસે ખનીજ ચોરીમાં વપરાતા ભારે વાહનો, જેસીબી, ડમ્પર અને ઉત્ખનનના સાધનો સહિત કુલ 1.39 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે તમામ સાધનો અને વાહનો સીઝ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલી મોટી રકમનો મુદ્દામાલ જપ્ત થતાં ખનીજ માફિયાઓનું કમરતોડ નુકસાન થયું છે.

પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ મામલે સાપર પોલીસે ગુનો નોંધીને પકડાયેલા ચારેય ઈસમોની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ ખનીજ ચોરી પાછળ અન્ય કયા મોટા માથા કે રેકેટ સંકળાયેલા છે અને આ ચોરી કરેલું ખનીજ ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો - Rajkotમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6 વર્ષીય બાળકનું મોત, રિપોર્ટ પહેલાં જ તૂટી આશા