સૌરાષ્ટ્રના શિક્ષણના ધામ ગણાતા રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણઘડ નીતિ અને અક્ષમ્ય બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. યુનિવર્સિટી કેમ્પસમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ થયાને 3 મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, આજદિન સુધી તે વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી નથી. લાઇબ્રેરીને તાળાં લાગેલા હોવાથી તેમાં સંગ્રહાયેલા 5 લાખથી વધુ અમૂલ્ય પુસ્તકોના જ્ઞાન અને આધુનિક વાંચન સુવિધાઓથી હજારો વિદ્યાર્થીઓ અને સંશોધકો વંચિત રહી ગયા છે. લોકાર્પણ બાદ પણ લાઇબ્રેરી શરૂ ન થતાં યુનિવર્સિટીના વહીવટી તંત્ર સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
5 લાખ પુસ્તકો અને આધુનિક સુવિધાઓ છતાં તાળાં
ભારે ધામધૂમથી 3 મહિના અગાઉ આ અત્યાધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ વહીવટી આળસને કારણે તેનો ઉપયોગ શરૂ થઈ શક્યો નથી. આ લાઇબ્રેરીમાં વિવિધ વિદ્યાશાખાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સંશોધનને લગતા 5 લાખથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે, પરંતુ દરવાજા બંધ હોવાથી વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકતા નથી.
