દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. ભાણવડ પંથકના કબરકા, ભોરિયા અને ચોખંડા ગામે વરસાદ સાથે કરા પડ્યા હતા, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તો મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં દૂધિયા અને આશિયાવદરમાં પ્રચંડ પવન ફૂંકાવાને કારણે નવી વીજ લાઈનો ધરાશાયી થઈ હતી અને અનેક વીજ પોલ ઉખડીને ખેતરોમાં પટકાયા હતા.

કલ્યાણપુરના રાજપરા ગામે કરા સાથે પડેલા ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા અને નદી-નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં કાઢીને રાખેલા મગફળીનો ભુક્કો અને પશુઓનો ચારો પલળી જતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

જૂનાગઢના કેશોદ પંથકમાં વરસાદી માહોલ

જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. બાલાગામ, ચીતરી અને પાડોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. અચાનક ત્રાટકેલા આ માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે, ખાસ કરીને ખેતરોમાં રહેલો મગફળીનો પાક પલળી જવાની ભીતિ સેવાઈ રહી છે.

Unseasonal Rain in Gujarat, Crops Damaged, Saurashtra Farmers in trouble

ગીર સોમનાથના તાલાલા પંથકમાં ચાર મહિનાની મહેનત પર પાણી

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં માવઠાની આફત વરસી છે. તાલાલાના માધુપુર, હડમતીયા, સુરવા, જસાધાર અને આંબળાશ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ખેડૂતોએ ચાર મહિના સુધી પરસેવો પાડીને તૈયાર કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું છે. જસાધાર ગામે એક ખેડૂતના ખેતરમાં થ્રેસરથી મગફળી કાઢવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ વરસાદ ત્રાટકતા ચાર વિઘાના મગફળીના પાથરાં પલળી ગયા હતા. પવન સાથે પડેલા આ વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે.

Unseasonal Rain in Gujarat, Crops Damaged, Saurashtra Farmers in trouble

જામનગર અને કાલાવડ તાલુકામાં માવઠાનો પ્રકોપ

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. લાલપુર અને તેના સણોસરી ગામે કરા સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત કાલાવડ તાલુકાના નિકાવા, રાજડા, ભાડુકિયા, પીપર, ખરેડી, જસાપર અને મોટા વડાલામાં માવઠાએ કહેર વર્તાવ્યો છે. આ વિસ્તારમાં ડુંગળી, મગફળી, કપાસ તેમજ સોયાબીન અને તુવેરના પાકને ભારે નુકસાન થવાની પૂરી આશંકા છે, જેના કારણે જગતનો તાત ચિંતાના સાગરમાં ડૂબી ગયો છે.

Unseasonal Rain in Gujarat, Crops Damaged, Saurashtra Farmers in trouble

રાજકોટના જામકંડોરણામાં સતત બીજા દિવસે વરસાદ

રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં પણ સતત બીજા દિવસે કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બાલાપર અને ઉજડા સહિતના અનેક ગામોમાં વરસાદ ખાબકતા ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે, જેને પગલે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.


આ પણ વાંચો: PM Modi : પીએમ મોદીનું સંબોધન: ‘દિમાગી નક્સલ’ના ખતરાથી એલર્ટ રહેવાની જરૂર