રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડનો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આ કેસમાં કાયદાકીય કાર્યવાહી વેગવંતી બની રહી છે. આ ભયાનક દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે આ કેસમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. ધવલ એન્ટરપ્રાઈઝના માલિક અને મુખ્ય આરોપી પૈકીના એક એવા ધવલ ઠક્કરની જામીન અરજીને નમદાર સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયથી પીડિત પરિવારોને ન્યાય મળવાની આશા વધુ મજબૂત બની છે.


કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી

મળતી જાણકારી અનુસાર, અગ્નિકાંડના મુખ્ય આરોપી ધવલ ઠક્કરે તાજેતરમાં રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી દાખલ કરી હતી. તેના વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે તેમનો અસીલ નિર્દોષ છે અને આ ઘટનામાં તેની સીધી સંડોવણી નથી. વળી, તપાસમાં સહકાર આપવા માટે પણ તે તૈયાર છે. જોકે, સરકારી વકીલ દ્વારા આ અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલે દલીલ કરી હતી કે, આ એક અત્યંત ગંભીર ગુનો છે જેમાં 25 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આરોપીઓને જામીન આપવામાં આવે તો તે સમાજમાં ખોટો સંદેશ જશે અને તપાસ પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે.

કોર્ટના નિર્ણયથી પીડિત પરિવારને મળશે ન્યાય

બંને પક્ષોની વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ, નામદાર સેશન્સ કોર્ટે તમામ પુરાવાઓ અને સંજોગોને ધ્યાનમાં લીધા હતા. કોર્ટે અવલોકન કર્યું કે, આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે ને આરોપીની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આથી, કોર્ટે ધવલ ઠક્કરની જામીન અરજી ફગાવી દેવાનો નિર્ણય લીધો. કોર્ટના આ નિર્ણય બાદ પીડિત પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે, TRP ગેમઝોન અગ્નિકાંડમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.


  • Follow us on: