ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નર્મદા જિલ્લાના સાગબારા ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં સવર્ણ સમાજ સામે અત્યંત આપત્તિજનક અને વિવાદાસ્પદ નિવેદન કરતાં સમગ્ર રાજ્યના સામાજિક અને રાજકીય વાતાવરણમાં મોટો ભડકો થયો છે. અનામતના મુદ્દે બોલતી વખતે બાપુએ પાટીદાર, વાણિયા અને બ્રાહ્મણ સમાજને લઈને કરેલી અપમાનજનક ટિપ્પણી સામે સમગ્ર ગુજરાતનો બ્રહ્મ સમાજ એકસૂરે મેદાને આવ્યો છે અને ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
શંકરસિંહ વાઘેલાનું વિવાદીત નિવેદન

https://x.com/sandeshnews/status/2106262186196955269/video/1

સાગબારામાં શું બોલ્યા હતા શંકરસિંહ વાઘેલા?

સાગબારા ખાતે આદિવાસી સમાજની સભાને સંબોધતાં પૂર્વ મુખ્યમંત્રીએ ઝેર ઓકતાં જણાવ્યું હતું કે, "અનામત કોઈ આદિવાસીઓને મહેરબાની કરીને આપવામાં નથી આવ્યું. પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને મેલું ઉપાડવાના મહિને 50 હજાર હું આપીશ. જે રીતે આદિવાસી રહે છે એવી રીતે તમે રહો તો ખરું!"બાપુના આ નિવેદનનો વિડીયો વાયરલ થતાં જ પાટીદાર, બ્રાહ્મણ અને વૈષ્ણવ-વાણિયા સમાજમાં પ્રચંડ રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
વિડીયો વાયરલ થતાં રોષની લાગણી ફેલાઈ 
https://x.com/sandeshnews/status/2106262380070277197/video/1

બ્રહ્મ સમાજની વળતી ચેલેન્જ,‘બાપુ ઉપાડે તો રોજના ₹1 લાખ આપીશું’

શંકરસિંહ વાઘેલાના આ બફાટ સામે રાજકોટ સહિત સમગ્ર રાજ્યના બ્રહ્મ સમાજ અને કર્મકાંડી ભૂદેવોએ સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે બાપુને સીધી ચેલેન્જ ફેંકતા કહ્યું છે કે, "જો બાપુ પોતે મેલું ઉપાડે તો અમે તેમને રોજના ₹1 લાખ આપવા તૈયાર છીએ. બાપુએ આવા કોઈ કહેવાતા 'શુભ કામ'ની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ, અન્ય સુસંસ્કૃત સમાજને આવી વાહિયાત સલાહો આપવાનું બંધ કરે."અગ્રણીઓએ આક્ષેપ કર્યો કે આજના આધુનિક યુગમાં આવી કોઈ વર્ણ વ્યવસ્થા રહી નથી, તેમ છતાં ચૂંટણીઓ નજીક આવતાં જ બાપુ માત્ર લાઇમલાઇટમાં રહેવા અને સસ્તી નકારાત્મક પબ્લિસિટી મેળવવા આવા જ્ઞાતિવાદી ઝેર ઓકીને વર્ગવિગ્રહ કરાવવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે.

માફી નહીં માંગે તો આંદોલન

રાજકોટ ખાતે એકઠા થયેલા બ્રહ્મ સમાજના આગેવાન હિરેન જોશીએ આકરા તેવર બતાવતા જણાવ્યું હતું કે, "આ નિવેદન પૂર્વ મુખ્યમંત્રીની વિકૃત માનસિકતા છતી કરે છે. શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન તાત્કાલિક બિનશરતી પરત ખેંચીને જાહેર માફી માંગવી પડશે. જો તેઓ માફી નહીં માંગે તો બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ અને વાણિયા સમાજના તમામ અગ્રણીઓ સાથે મળીને સંયુક્ત બેઠક યોજશે અને રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે."

આ પણ વાંચો:Ahmedabad: ગુજરાતમાં 4 વર્ષનો સૌથી ઓછો વરસાદ, દ્વારકા-કચ્છ સુકાભઠ્ઠ છતાં નર્મદા મૈયાએ તાર્યા!