દિવાળીના તહેવાર બાદ સિંગતેલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી બજારમાં હંગામી પલટો આવ્યો છે. સતત વરસાદી વાતાવરણના કારણે પીલાણ માટે ઉપયોગમાં લેવાતી મગફળીની આવક ઘટતાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 15નો નજીવો વધારો થયો છે. બજારના અહેવાલો મુજબ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 15 વધીને હવે રૂ.2380થી રૂ.2430 બોલાઈ રહ્યો છે.
વધારો ટૂંકાગાળા માટે જ રહેવાની શક્યતા
જોકે આ વધારો ટૂંકાગાળા માટે જ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સિંગતેલના બજારના નિષ્ણાતોના મતે આ વર્ષની દિવાળીના સમયે સિંગતેલનો ભાવ છેલ્લા પાંચ વર્ષની દિવાળીમાં સૌથી ઓછો નોંધાયો હતો જે ગ્રાહકો માટે રાહતરૂપ હતું. હાલમાં મગફળીની આવક પર વરસાદની અસર હોવાથી ભાવમાં થોડો વધારો થયો છે. જોકે ખેડૂતો પાસેથી મળેલા આંકડાઓ અને બજારના ટ્રેન્ડ મુજબ આવનારા દિવસોમાં મગફળીની બમ્પર આવકો થવાની સંભાવના છે.













