રાજકોટ જિલ્લામાં લોકોના અરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે તંત્રે લાલ આંખ કરી છે. રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે ચોક્કસ બાતમીના આધારે જાણીતી ડેરીઓ પર રેડ કરી હતી. ભેળસેળયુક્ત અને અખાદ્ય ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ અટકાવવા માટે પાડવામાં આવેલા આ દરોડાથી દૂધ અને માવાના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

જય ખોડિયાર, શ્રીજી અને બજરંગ ડેરીમાં સઘન તપાસ

પોલીસ અને આરોગ્ય અધિકારીઓની ટીમ દ્વારા રાજકોટની ત્રણ મુખ્ય પેઢીઓ - જય ખોડિયાર ડેરી, શ્રીજી કોર્પોરેશન અને બજરંગ ડેરી માં એકસાથે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન સ્થળ પર રાખવામાં આવેલા દૂધ, માવો અને અન્ય ડેરી ઉત્પાદનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જ મોટા પાયે અસ્વચ્છતા અને ભેળસેળના પુરાવા મળી આવ્યા હતા.

500 કિલ શંકાસ્પદ માવો અને 400 લીટર અખાદ્ય દૂધ સીઝ કરાયું

આ સફળ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ દરોડા સ્થળેથી 500 કિલો જેટલો શંકાસ્પદ માવો અને 400 લીટર જેટલું માનવ વપરાશ માટે અયોગ્ય અને અખાદ્ય દૂધ ઝડપી પાડ્યું હતું. ત્રણેય પેઢીઓમાંથી મળીને કુલ 1165 કિલો જેટલો મોટી માત્રામાં અખાદ્ય જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. જો આ જથ્થો બજારમાં વેચાઈ ગયો હોત તો નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકી હોત.

Rajkot News: SOG and Health Dept Raid Dairies: 1165 KG Adulterated Mawa & Milk Seized

નમૂના લેબોરેટરીમાં મોકલાયા, આગળની કાર્યવાહી શરૂ

આરોગ્ય વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલા માવા અને દૂધના શંકાસ્પદ જથ્થામાંથી નમૂના લઈને તેને પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત ડેરી સંચાલકો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Rajkot News: પીઠડીયા અને શાપરમાંથી ગેરકાયદે ખનીજ ચોરીનો પર્દાફાશ, 4 પકડાયા, 1.39 કરોડનો મુદ્દામાલ જપ્ત