રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્યપદાર્થોના ભેળસેળિયા વેપારીઓ સામે રાજકોટ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસે લાલ આંખ કરી છે. SOG ની ટીમે રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં આવેલી ‘વોલ્ગા ઘી’ નામની જાણીતી દુકાનમાં આકસ્મિક દરોડો પાડીને મોટા પ્રમાણમાં શંકાસ્પદ અને ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે.

કેવડાવાડી વિસ્તારમાં ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડ્યો

પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી 500 કિલોથી પણ વધુ પ્રમાણમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું હતું. આ ઘીના જથ્થામાં વનસ્પતિ ઘી અને અન્ય શંકાસ્પદ પદાર્થોનું મિશ્રણ કરીને તેને ગાય તથા અન્ય પશુઓના શુદ્ધ દેશી ઘીના નામે ગ્રાહકોને ઊંચા ભાવે વેચવામાં આવતું હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે.દરોડા દરમિયાન દુકાન/પેઢીના સંચાલક વેપારી કેવલ જયપ્રકાશ ચંદાણી હાજર મળી આવ્યા હતા. SOG પોલીસે તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય અને ફેક્ટરી ઇન્સ્પેક્શન વિભાગને બનાવ અંગે જાણ કરી સ્થળ પર બોલાવ્યા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા 500 કિલો ઘીનો જથ્થો સીઝ 

મનપાના આરોગ્ય અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચી ઘી તથા વનસ્પતિના અલગ-અલગ શંકાસ્પદ નમુનાઓ (સેમ્પલ) મેળવી તેને પબ્લિક એનાલિસ્ટ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પરથી મળી આવેલ કુલ રૂ. 2,83,000 ની કિંમતનો ઘીનો જથ્થો સ્થળ પર જ સીઝ  કરી દેવામાં આવ્યો છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: પાલડી ઉપાશ્રયના નામે સેટેલાઇટના વૃદ્ધ સાથે 21.79 લાખની છેતરપિંડી, મહારાજ સાહેબના ત્યાંથી બોલું છું' કહી રકમ ટ્રાન્સફર કરાવી