ચાલુ વર્ષે ચોમાસાના નબળા વરસાદ અને વરસાદની લાંબી ખેંચના કારણે રાજકોટ શહેર પર પીવાના પાણીનું ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધી પૂરતો વરસાદ ન થવાને કારણે જળાશયોમાં પાણીની આવક નહિવત રહી છે. હાલની સ્થિતિએ શહેરની તરસ છિપાવતા મુખ્ય ડેમોમાં માત્ર 1 મહિનો ચાલે તેટલો જ પીવાના પાણીનો જથ્થો શિલક બચ્યો છે, જેને પગલે આવનારા દિવસોમાં પાણી કાપ કે મોટી કટોકટી સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

દૈનિક 47 કરોડ લિટર પાણીની જંગી માગ

રાજકોટ શહેરનો વ્યાપ અને વસ્તી સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ખૂણે-ખૂણા સુધી પાણી પહોંચાડવા માટે રોજનું 47 કરોડ લીટર પીવાનું પાણી વિતરીત કરવામાં આવે છે. વરસાદ ન થવાના કારણે સ્થાનિક સ્રોતો તળિયાઝાટક થઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં નવા પાણીની આવક નહીં થાય તો દૈનિક 47 કરોડ લીટર પાણીનો પુરવઠો જાળવી રાખવો સ્થાનિક તંત્ર માટે ભારે પડકારજનક બની રહેશે.

સૌની યોજના દ્વારા નર્મદા નીર ઠાલવવા રજૂઆત

રાજકોટ શહેરને જળ સંકટમાંથી ઉગારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ તાકીદની રજૂઆત કરવામાં આવી છે. મેયર ડો. નેહલ શુકલ દ્વારા પાણી પુરવઠા વિભાગને પત્ર લખીને સૌની (SAUNI) યોજનાના માધ્યમથી રાજકોટના મુખ્ય ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવવાની માગ કરવામાં આવી છે, જેથી શહેરીજનોને પીવાના પાણીની કોઈ હાલાકી ભોગવવી ન પડે.

સૌની યોજના હેઠળ 4000 MCFT પાણીનો જથ્થો મંગાયો

રાજકોટના મેયરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે નબળા ચોમાસાના કારણે ઓછો વરસાદ નોંધાતાં જળ સંકટ ઉભું ન થાય તે માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટના સ્થાનિક જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થા અને આગામી જરૂરિયાતોનું ચોક્કસ આકલન કર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે 'સૌની યોજના' મારફત પાણીનો જથ્થો માંગવામાં આવ્યો છે. શહેર માટે અંદાજિત 4000 MCFT પાણીના જથ્થાની માંગણી કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ જરૂરિયાત મુજબ સૌની યોજના દ્વારા ડેમો ભરવામાં આવ્યા છે, ત્યારે આ વર્ષે પણ રાજકોટવાસીઓને પીવાનું પૂરતું પાણી મળી રહેશે તેવી ખાતરી સરકાર તરફથી વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો: Rajkot ત્રિપલ સુસાઈડ કેસમાં મોટો વળાંક, વ્યાજખોર સંદીપ લખતરીયા સામે અંતે ગુનો દાખલ