મોરબીમાં જમીન અને ખેતરોમાંથી ઊભા કરવામાં આવી રહેલા વીજપોલ સામે ખેડૂતોનો વિરોધ દિનપ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે.જેતપર ખાતે સત્યાગ્રહ છાવણી બનાવીને ખેડૂતો છેલ્લા પાંચ મહિનાથી અડગ રહીને આંદોલન ચલાવી રહ્યા છે.આ લાંબી લડત વચ્ચે કચ્છના રાપર તાલુકાના પ્રાગપર ખાતે અસરગ્રસ્ત ખેડૂતોનું એક વિશેષ જાગૃતિ સંમેલન યોજાયું હતું.આ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂતોએ આંદોલનને પોતાનો પૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.ખેડૂત અગ્રણીઓએ સભામાં જણાવ્યું હતું કે વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં વીજપોલ ઊભા કરવામાં આવ્યા છે. પરંતુ ખેડૂતોને યોગ્ય અને ન્યાયી વળતર આપવામાં આવી રહ્યું નથી.

ખેડૂત આગેવાનોએ અત્યંત ગંભીર આક્ષેપો પણ કર્યા

પાંચ મહિના જેટલા લાંબા સમયથી જેતપર છાવણીમાં ધરણાં ચાલી રહ્યા હોવા છતાં ખેડૂતોની વેદના સાંભળવામાં આવી નથી.પ્રાગપર ખાતે યોજાયેલા આ સંમેલનમાં અસરગ્રસ્ત ખેડૂતોએ વળતર મેળવવા માટે એકતા દર્શાવી હતી અને જ્યાં સુધી પ્રત્યેક ખેડૂતને તેનું બાકી રહેલું વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન સમેટાશે નહીં તેવો સ્પષ્ટ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.ખેડૂત આગેવાનોએ અત્યંત ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોની એકતા તોડવા અને પાંચ મહિનાથી ચાલતા આ શાંતિપૂર્ણ આંદોલનને કચડી નાખવા માટે કેટલાક તત્વો દ્વારા ખેડૂતોને કોરા ચેક આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.આંદોલનકારી ખેડૂતોને નાણાકીય લાલચ આપીને આંદોલનમાંથી ખસી જવા દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. 

લડતને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી 

આ ઉપરાંત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા નિર્દોષ ખેડૂતો સામે ખોટા પોલીસ કેસો દાખલ કરીને તેમને ડરાવવા અને ધાકધમકી આપવાના પ્રયાસો થયા હોવાની વિગતો પણ ખેડૂતોએ સંમેલનમાં જણાવી હતી. ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે આવા કોઈપણ દબાણ કે કાનૂની કાર્યવાહીથી તેઓ ડરવાના નથી.પ્રાગપર ખાતે મળેલા આ સંમેલનમાં ખેડૂત સંગઠનો અને વિવિધ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જેતપર સત્યાગ્રહ છાવણીમાં ચાલી રહેલી લડતને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી.ખેડૂતોએ જણાવ્યું હતું કે વીજપોલના વળતરનો પ્રશ્ન સમગ્ર વિસ્તારના ખેડૂતોના અધિકાર સાથે જોડાયેલો છે.આંદોલનને તોડવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા છે તેની સામે ખેડૂતો વધુ એકત્ર થઈને લડશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: કોંગ્રેસ એક્સપાયર ઈન્જેક્શનની જેમ કામ કરે છે, રાહુલ ગાંધીનું લોન્ચિંગ દેશ સફળ નહીં થવા દે: તરુણ ચૂગ