અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી રથયાત્રા પૂર્વે આજે પરંપરાગત અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રની પવિત્ર ‘નેત્રોત્સવ વિધિ’ શરૂ કરવામાં આવી છે. આ દર્શનનું આધ્યાત્મિક દ્રષ્ટિએ ભારે મહત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર મંદિર પરિસરમાં ઉમટી પડ્યું છે.
ભગવાનને આંખો આવી જાય છે
લોકવાયકા અને ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન જ્યારે મોસાળ સરસપુર જાય છે ત્યારે ત્યાં ભક્તો દ્વારા ખૂબ જ લાડ લડાવવામાં આવે છે. મોસાળમાં અવનવી વાનગીઓ અને વિવિધ ભોગ ધરાવવાને કારણે ભગવાનને આંખો આવી જાય છે. આથી, ભગવાનને આંખો આવતા જ તેમના નેત્રો પર પવિત્ર પાટા બાંધવામાં આવે છે.

નેત્રોત્સવ પૂજા સંપન્ન
આજે સવારે વિશેષ પૂજા-અર્ચના સાથે ભગવાનની આંખો પરથી આ પાટા ખોલવાની ભવ્ય વિધિ એટલે કે નેત્રોત્સવ પૂજા સંપન્ન કરવામાં આવી હતી.
ભગવાન જગન્નાથજીએ ગજવેશ ધારણ કર્યો
જેવા પ્રભુના નેત્રો પરથી પાટા ખોલવામાં આવ્યા, કે તરત જ ભગવાન જગન્નાથજીએ ગજવેશ ધારણ કર્યો હતો. ભક્તોને ભગવાનના દિવ્ય ‘ગજવેશ’ (ગણેશ સ્વરૂપ) માં દર્શનનો અમૂલ્ય લહાવો મળ્યો છે.

એક જ વાર ભગવાન જગન્નાથજી ગજવેશમાં દર્શન આપે છે
ઉલ્લેખનીય છે કે, સમગ્ર વર્ષમાં માત્ર એક જ વાર ભગવાન જગન્નાથજી ગજવેશમાં દર્શન આપે છે, જેથી આ અલૌકિક પળના સાક્ષી બનવા માટે હજારો શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા છે અને સમગ્ર મંદિર પરિસર ‘જય જગન્નાથ’ ના નારાથી ગુંજી ઉઠ્યું છે.
https://twitter.com/sandeshnews/status/2076852572296720830
વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન
આ પાવન પ્રસંગે મંદિરમાં ધ્વજારોહણ અને દેશભરમાંથી આવેલા સાધુ-સંતોના સન્માન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે. મહંત દિલીપદાસજી મહારાજની નિશ્રામાં યોજાઈ રહેલી આ તમામ વિધિઓ સાથે હવે રથયાત્રાની ગણતરીની ક્ષણો બાકી રહી હોવાથી ભક્તોમાં અનોખો ઉત્સાહ અને આનંદ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!