દેશમાં પોલીસ કે સેનામાં જોડાવા માટે યુવાનો આકરી મહેનત કરતા હોય છે. અડગ મનથી આકરામાં આકરી કસોટી પાસ કરીને સેનામાં જોડાતા હોય છે. અનેક લોકો એવા પણ હોય છે કે પરીક્ષામાં પાસ નહીં થતાં તેમનું સેનામાં જવાનું સપનું અધૂરૂ રહી જાય છે.કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ એક વાર નાપાસ થયા બાદ બીજી વાર પરીક્ષા આપીને પાસ થઈ સેનામાં જોડાતા હોય છે.ગુજરાતમાં એક અલગ મામલો સામે આવ્યો છે જેમાં એક યુવકનું આર્મીમાં જોડાવાનું સપનું રોળાયું છે.


સિદ્ધપુરના વાઘુજી ઠાકોરનું સેનામાં જવાનું સ્વપ્ન રોળાયું

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વાઘુજી ઠાકોરનું અગ્નિવિરની તાલીમને કારણે સેનામાં જવાનું સપનું રોળાયું છે. અગ્નિવિરની તાલીમ દરમિયાન વાઘુજીને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વાઘુજી ઠાકોરને ઈજા બાદ ત્રણ ટકા દિવ્યાંગ હોવાનું જાહેર કરીને ASC ટ્રેનિંગ સેન્ટરમાંથી દૂર કરવામાં આવ્યાં છે.વાઘુજી ઠાકોરને મેડિકલ બોર્ડે અનફિટ ગણાવી ASC ટ્રેનિંગ સેન્ટરમાંથી બહાર કર્યા છે.

21 વર્ષે સેનામાં જોડાવવાના તમામ દરવાજા બંધ થયા

આ મુદ્દે હવે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસે વાઘુજી ઠાકોરને ક્ષમતા પ્રમાણે સરકારી નોકરી આપવા માટે માગ કરી છે. આ ઉપરાંત વાઘુજીને સરકારી નોકરી મળે તે માટે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ રક્ષા મંત્રાલયમાં રજૂઆત કરશે. 21 વર્ષની ઉંમરે સેનામાં જોડાવા માટે વાઘુજી ઠાકોર માટે તમામ દરવાજા બંધ થઈ ગયા છે. હાલતો વાઘુજીને લોકો તરફથી માત્રને માત્ર સાંત્વના મળી રહી છે પણ આગામી સમયમાં તેમને સરકારી નોકરી મળશે કે કેમ તે સમય જ બતાવશે.


  • Follow us on: