ગુજરાતને વૈશ્વિક રમતગમતનું હબ બનાવવાના વિઝન સાથે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ભવિષ્યમાં યોજાનારા ઓલિમ્પિક્સના આયોજન માટેના રોડમેપ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરની 'વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ'ના સફળ આયોજન માટેની માળખાકીય સુવિધાઓ અને રાજ્યની સજ્જતા અંગે પણ વિગતવાર માહિતી મેળવી સમીક્ષા કરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કાલે હાઇ-લેવલ મીટિંગ
આ તમામ તૈયારીઓને વધુ ગતિ આપવા માટે આવતીકાલે અમદાવાદ એનરેક્સી સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને રમતગમત વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ખેલાડીઓની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને લોજિસ્ટિક્સ પ્લાનિંગ અંગે અમિત શાહ દ્વારા વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે, જે ભારતની દાવેદારીને વૈશ્વિક મંચ પર વધુ મજબૂત બનાવશે.
