કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું. આ કોમ્પ્લેક્સ 21 એકરના ખાલી પ્લોટ પર 825 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે, આ કોમ્પ્લેક્સ માત્ર ઈમારત નથી, પરંતુ તે ભારતના રમત-ગમત ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લાવશે. તેમણે કહ્યું કે, સ્પોર્ટ્સ એ દેશનો આત્મા છે અને વિશ્વમાં સૌપ્રથમ રમત-ગમતની શરૂઆત ભારતમાં થઈ હતી. મોદી સરકાર છેલ્લા 10 વર્ષમાં માત્ર યોજનાઓ જ નહિ, પણ ખેલાડીઓને મોટું પ્લેટફોર્મ પણ આપી રહી છે. આ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓ માટે શ્રેષ્ઠ ટ્રેનિંગ, રહેવાની વ્યવસ્થા, કોચિંગ સ્ટાફ અને ડોક્ટર્સની પણ સુવિધા ઉપલબ્ધ છે, જે તેને વિશ્વના સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંનું એક બનાવે છે.


ખેલ જગતમાં મોદી સરકારનું યોગદાન

અમિત શાહે પોતાના સંબોધનમાં ભારતના ખેલ જગતમાં આવેલા પરિવર્તનની વાત કરી. તેમણે જણાવ્યું કે, 2014 પહેલા ખેલાડીઓ માટેનું બજેટ માત્ર 1643 કરોડ રૂપિયા હતું, જે હવે મોદી સરકારે વધારીને 5300 કરોડ રૂપિયા કર્યું છે. આના પરિણામે છેલ્લા 8 વર્ષમાં ભારતે 15 ઓલિમ્પિક મેડલ જીત્યા છે. આ કોમ્પ્લેક્સને વીર સાવરકરને શ્રદ્ધાંજલિ સમાન ગણાવતા તેમણે કહ્યું કે, વીર સાવરકરે સૌથી લાંબુ સ્વિમિંગ કરીને દેશ માટે પ્રેરણા આપી હતી અને આ કોમ્પ્લેક્સમાં તાલીમ લઈ ખેલાડીઓ ભારત માટે મેડલ જીતશે. આ કોમ્પ્લેક્સ 1.19 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે અને તેમાં 900 વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા છે, જે તેને સુવિધાજનક બનાવે છે.

અમદાવાદ બનશે સ્પોર્ટ્સ કેપિટલ

અમિત શાહે આશા વ્યક્ત કરી કે અમદાવાદ ટૂંક સમયમાં જ ભારતની સ્પોર્ટ્સ રાજધાની બનશે. તેમણે કહ્યું કે, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ અમદાવાદમાં છે અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ તૈયાર થઈ રહ્યું છે. આ કોમ્પ્લેક્સમાં સ્પોર્ટ્સ સાયન્સ લેબ પણ બનાવવામાં આવી છે, જે ખેલાડીઓના પ્રદર્શનને સુધારવામાં મદદ કરશે. શાહે ભવિષ્યની યોજનાઓ વિશે પણ વાત કરતા કહ્યું કે, ભારતે આગામી કોમનવેલ્થ ગેમ્સ માટેની બીડ મોકલી આપી છે અને સરકાર 2036ના ઓલિમ્પિક્સને ભારતમાં યોજવા માટે પણ પ્રયાસ કરી રહી છે. આ તમામ પ્રયાસો અમદાવાદને એશિયાનું સ્પોર્ટ્સ સેન્ટર બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ છે.


  • Follow us on: