ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ વખતે રાજ્યમાં નવી બનેલી મહાનગર પાલિકામાં પણ ચૂંટણીઓ યોજાશે. ત્યારે આ ચૂંટણી પહેલા જ ભાજપમાં ભરતી શરૂ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભીલોડા અને શામળાજી તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે.

બલભદ્રસિંહ ચંપાવતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

ઉત્તર ગુજરાતમાં ભીલોડા અને શામળાજી તાલુકા કોંગ્રેસના પીઢ આગેવાન બલભદ્રસિંહ ચંપાવતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. તેમણે 200 કાર્યકરો સાથે ભિલોડા ખાતે ભાજપના સ્નેહમિલનમાં કેસરિયો ખેસ પહેરી લીધો હતો. તેમની સાથે પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય સહિતના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે ભાજપના પ્રભારી મંત્રી સંજય દેસાઈ અને મંત્રી પી.સી. બરંડાની હાજરીમાં ખેસ પહેરાવાયા હતાં.

આશાબેન ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાયા

બીજી તરફ દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. તેઓ દૂધ સાગર ડેરીમાં પાંચ વર્ષ સુધી ચેરમેન પદે રહ્યા હતાં. તેમણે અમદાવાદમાં કેજરીવાલના હાથે આપનો ખેસ પહેર્યો હતો. ચૂંટણી ટાણે જ કોંગ્રેસમાં ગાબડું પડતાં કકળાટ સામે આવવો કોઈ નવી વાત નથી. વર્ષોથી કોંગ્રેસમાં જૂથવાદ સળગતો રહ્યો છે અને તે પણ ચૂંટણી ટાણે જ સળગી રહ્યો હોવાનું રાજકીય નિષ્ણાંતો દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ PM Modi: રાષ્ટ્રપતિનું અપમાન એ દેશનું અપમાન, રાષ્ટ્રપતિના પ્રોટોકોલ પર બોલ્યા PM મોદી