મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિએ દેશભરમાં ઉજવવામાં આવતા નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલમહાકુંભ-૨૦૨૫ માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો.નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા ૨૦ જેટલા ખેલ મહાનુભાવોને એવોર્ડ આપીને આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા.


કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની દાવેદારી

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ રમતમાં ખેલદિલી એ અનિવાર્ય પાસું છે. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને સન્માનિત કરવાનો કાર્યક્રમ એ આપણા સૌ માટે ગર્વની વાત છે.નેશનલ સ્પોર્ટ્સ ડે આ વર્ષે ગુજરાત માટે ખૂબ મહત્વનો છે.કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપી છે.વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતાં અમદાવાદને આ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ખેલમહાકુંભ-2025 માટેનું રજિસ્ટ્રેશન શરૂ થયું

ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-2025 માટેનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે.તેમાં પણ રાજ્યના સૌ ખેલ પ્રેમીઓ રજીસ્ટ્રેશન કરાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.2002માં રાજ્યમાં 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, આજે રાજ્યના ખેલાડીઓ માટે 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપલબ્ધ છે.અમદાવાદમાં નારણપુરા ખાતે 22 એકર વિસ્તારમાં મલ્ટી યુટીલિટી સ્પોર્ટ્સ સેન્ટર બની રહ્યું છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે 233 એકરમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ થઈ રહ્યું છે.

સ્પોર્ટ્સ પોલિસી-2025 પણ જાહેર કરવામાં આવી

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,સંસદ સત્રમાં રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ સંશોધન વિધેયક 2025 પારિત કરીને કેન્દ્ર સરકારે ખેલાડીઓના હિતોના રક્ષણનું ઐતિહાસિક પગલું ભર્યું છે. ભારતને વૈશ્વિક રમતગમત ક્ષેત્રનું પાવરહાઉસ બનાવવા અને 2036 ઓલિમ્પિક રમતો સહિત આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોમાં મજબૂત દાવેદારી કરવાના ઉદ્દેશ સાથે સ્પોર્ટ્સ પોલિસી-2025 પણ જાહેર કરવામાં આવી છે.


  • Follow us on: