Sachin Tendulkar Fan: ક્રિકેટની દુનિયામાં અનેક ખેલાડીઓના કરોડો ચાહકો છે, પરંતુ કેટલાક ચાહકોની દીવાનગી અને લાગણી તેમને અન્ય લોકોથી અલગ બનાવે છે. આવા જ એક ચાહક છે ગાંધીનગર જિલ્લાના કડજોદરાના વતની અરવિંદસિંહ ઝાલા જેમની ભક્તિ માત્ર ક્રિકેટ સુધી સીમિત નથી. અરવિંદસિંહ ઝાલા સચિન તેંડુલકરને ભગવાન સમાન માને છે અને તેમના માટે મંદિર બનાવી સવાર-સાંજ પૂજા કરે છે. તેમના ઘર, દુકાન અને વાહનોમાં સચિન તેંડુલકરની તસવીરો જોવા મળે છે.
1991થી સચિન તેંડુલકર પ્રત્યે ચાહના
અરવિંદસિંહ ઝાલા જણાવે છે કે તેઓ વર્ષ 1991થી સચિન તેંડુલકરના ચાહક છે. વર્ષ 2001થી તેમણે સચિન તેંડુલકરને ભગવાન તરીકે માનવાનું શરૂ કર્યું. આજે પણ તેમના ઘર અને દુકાનમાં સચિન તેંડુલકરની તસવીરો લગાવેલી છે. તેઓ દરરોજ સચિન તેંડુલકરની પૂજા-અર્ચના કરે છે. તેમના પરિવારના સભ્યો પણ તેમની આ શ્રદ્ધાને સહકાર આપે છે. અરવિંદસિંહ માટે સચિન તેંડુલકર માત્ર ક્રિકેટર નહીં, પરંતુ ભગવાન સમાન છે.
16 વર્ષની ઉંમરે સચિન તેંડુલકરે દિલમાં જગ્યા બનાવી
અરવિંદસિંહ ઝાલા કહે છે કે જ્યારે તેઓ 16 વર્ષના હતા ત્યારે તેમના ગામમાં ટીવી નહોતું. તેથી તેઓ શહેરમાં રહેતા સગા-સંબંધીઓના ઘરે ક્રિકેટ મેચ જોવા જતા હતા. તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે પેશાવરમાં રમાયેલી મેચ દરમિયાન સચિન તેંડુલકરની બેટિંગે તેમના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. ત્યારથી સચિન તેંડુલકર પ્રત્યે તેમની ચાહના સતત વધતી ગઈ અને તેઓ સચિન તેંડુલકરના મોટા ચાહક બની ગયા.

ઘર અને દુકાનમાં સચિન તેંડુલકરનું મંદિર
અરવિંદસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે, તેમના ઘર અને દુકાન બંને જગ્યાએ સચિન તેંડુલકરનું મંદિર છે. તેઓ સવાર અને સાંજે અગરબત્તી અને દીવો કરીને સચિન તેંડુલકરની ભગવાનની જેમ પૂજા કરે છે. તેઓ કહે છે કે કોઈપણ તહેવાર હોય ત્યારે પણ સચિન તેંડુલકરના નામે સેવાકીય કાર્યો કરવાની તેમની પરંપરા છે. સચિન તેંડુલકરની પ્રેરણાથી જ તેઓ જીવનમાં આગળ આવ્યા હોવાનું પણ તેઓ માને છે.

લોકો મજાક કરતા તો શ્રદ્ધા વધુ વધી
સચિન તેંડુલકરની પૂજા શરૂ કરી ત્યારે કેટલાક લોકો અને સગા-સંબંધીઓ તેમની મજાક ઉડાવતા હતા. લોકો કહેતા કે સચિન તેંડુલકર ભગવાન નથી, તેઓ તો ક્રિકેટર છે. અરવિંદસિંહ ઝાલા કહે છે કે તેઓ લોકોને જવાબ આપતા કે મનુષ્યમાં પણ દેવત્વ હોઈ શકે છે. જેમ લોકો પથ્થરની મૂર્તિની પૂજા કરે છે, તેમ તેમના માટે સચિન તેંડુલકર મનુષ્યરૂપે ભગવાન સમાન છે. તેમના જણાવ્યા પ્રમાણે, લોકોની ટીકાથી તેમની શ્રદ્ધા ઓછી થવાને બદલે સચિન તેંડુલકર પ્રત્યેનું માન-સન્માન વધુ વધ્યું.
દુકાનમાં પણ સચિન તેંડુલકરની પૂજા/અગરબતી
અરવિંદસિંહ ઝાલા પોતાની દુકાનમાં પણ સચિન તેંડુલકરની પૂજા કરે છે. અહીં આવતા કેટલાક લોકો તેમની મજાક કરતા હોવાનું તેઓ જણાવે છે. જોકે સચિન તેંડુલકર વિશે સારું બોલનારા ગ્રાહકો પ્રત્યે તેઓ ખાસ લાગણી ધરાવે છે. અરવિંદસિંહ જણાવે છે કે તેઓ આવા લોકોને ઘણી વખત મફતમાં નાસ્તો પણ કરાવે છે. તેમના પરિવારના તમામ સભ્યો પણ સચિન તેંડુલકરને ભગવાન તરીકે માનવાની આ પરંપરામાં તેમને સહકાર આપે છે.

ઘરના દરેક રૂમમાં સચિન તેંડુલકરની તસવીરો
અરવિંદસિંહ ઝાલાના ઘરના દરેક રૂમ અને ઓસરીમાં સચિન તેંડુલકરની તસવીરો લગાવવામાં આવી છે. સચિન તેંડુલકરે સદી ફટકારી હોય અથવા વર્લ્ડ કપ જીત્યો હોય તેવી અનેક યાદગાર તસવીરો તેમણે સાચવી રાખી છે. તેમની પાસે સચિન તેંડુલકરની તસવીરોના આલ્બમ, ડાયરી અને તસવીરવાળી ઘડિયાળો પણ છે. તેમના ટુ-વ્હીલર અને કારમાં પણ સચિન તેંડુલકરની તસવીરો છે. નાસ્તાની દુકાનની અંદર અને બહાર પણ સચિન તેંડુલકરના ફોટા અને પોસ્ટરો લગાવેલા છે.

અખબારી કટિંગથી લઈને સચિન તેંડુલકરના નામવાળું ટી-શર્ટ
અરવિંદસિંહ ઝાલાએ સચિન તેંડુલકરની મેચોના અખબારમાં આવેલા કટિંગ પણ સાચવીને ફાઇલ બનાવી છે. મેચ જોવા ગયા ત્યારે ખરીદેલું સચિન તેંડુલકરના નામવાળું ટી-શર્ટ પણ તેમણે આજે સુધી સાચવી રાખ્યું છે. સચિન તેંડુલકરની તસવીરોનો અલગ આલ્બમ પણ તેમણે તૈયાર કર્યો છે. તેમના માટે આ તમામ વસ્તુઓ માત્ર સંગ્રહ નથી, પરંતુ સચિન તેંડુલકર સાથે જોડાયેલી લાગણીઓ અને યાદો છે.
સચિન તેંડુલકરને રૂબરૂ મળ્યા નથી, બે પત્ર મળ્યા
અરવિંદસિંહ ઝાલા હજુ સુધી સચિન તેંડુલકરને રૂબરૂ મળ્યા નથી. જોકે તેમના જણાવ્યા પ્રમાણે સચિન તેંડુલકરે તેમને વર્ષ 2019 અને 2022માં બે પત્ર લખ્યા હતા. આ પત્રોમાં સચિન તેંડુલકરે તેમને શુભકામનાઓ પાઠવી હતી. અરવિંદસિંહના જણાવ્યા પ્રમાણે, સચિન તેંડુલકરે નિવૃત્તિ બાદ અન્ય કામોમાં વ્યસ્ત હોવાના કારણે હાલમાં મળી શકાય તેમ ન હોવાનું જણાવ્યું હતું અને સમય મળશે ત્યારે ચોક્કસ મળવાની વાત કરી હતી.

સચિન તેંડુલકરના બંગલા પર 3-4 વખત ગયા
સચિન તેંડુલકરને મળવાની ઈચ્છા સાથે અરવિંદસિંહ ઝાલા ત્રણથી ચાર વખત મુંબઈમાં તેમના બંગલા પર ગયા છે. તેમણે સિક્યુરિટીને લેખિતમાં રજૂઆત કરીને સચિન તેંડુલકરને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. અરવિંદસિંહ કહે છે કે સચિન તેંડુલકર ઘરે હાજર ન હોય તો પણ તેઓ નિરાશ થતા નથી. તેમના માટે સચિન તેંડુલકરનું ઘર પણ મંદિર સમાન છે. તેથી તેઓ ત્યાં દર્શન કરીને પરત આવે છે.
સચિન તેંડુલકરના જન્મદિવસે સેવાકીય કાર્યો
સચિન તેંડુલકરના જન્મદિવસની ઉજવણી પણ અરવિંદસિંહ ઝાલા અલગ રીતે કરે છે. તેઓ જન્મદિવસે સેવાકીય કાર્યો કરે છે. ગામના યુવા ક્રિકેટરોની ટીમને બેટનું વિતરણ કરીને પણ સચિન તેંડુલકરનો જન્મદિવસ ઉજવે છે. અરવિંદસિંહના જણાવ્યા પ્રમાણે, સચિન તેંડુલકરના 50મા જન્મદિવસની ઉજવણી દરમિયાન ગામની 350 વિધવા મહિલાઓને સચિન તેંડુલકરની તસવીરવાળી ઘડિયાળ અને સાડી આપવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણીમાં તેમના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેતા હોવાનું તેઓ જણાવે છે.

સચિન તેંડુલકરને લખેલા પત્રમાં શું કહ્યું?
અરવિંદસિંહ ઝાલાએ સચિન તેંડુલકરને લખેલા પત્રમાં પોતાની અને પરિવારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર સચિન તેંડુલકરને ભગવાન તરીકે માને છે અને તેમના પ્રત્યક્ષ દર્શન કરવા માંગે છે. અરવિંદસિંહ કહે છે કે સચિન તેંડુલકર તેમને માત્ર 2થી 5 મિનિટનો સમય આપે અને તેમની સાથે મુલાકાત કરે તો પણ તે તેમના જીવનનું મોટું અહોભાગ્ય હશે.
'જય ભારત, જય સચિન' સાથે 34 હજારથી વધુ રન લખ્યા
અરવિંદસિંહ ઝાલા સચિન તેંડુલકરની ક્રિકેટ કારકિર્દી સાથે જોડાયેલી એક અનોખી વસ્તુ પણ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, સચિન તેંડુલકરે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં બનાવેલા 34 હજારથી વધુ રનને 'જય ભારત, જય સચિન' સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લખ્યા છે. તેઓ આજે પણ આ લખાણ પોતાની મંત્ર બુકમાં લખે છે.

2011નો વર્લ્ડ કપ આજે પણ યાદ છે
2011નો વર્લ્ડ કપ અરવિંદસિંહ ઝાલા માટે સચિન તેંડુલકર સાથે જોડાયેલી સૌથી લાગણીસભર યાદોમાંથી એક છે. ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેમની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા. તેમણે તે સમયે સચિન તેંડુલકર સાથે જોડાયેલા લગભગ 3 હજાર પોસ્ટર પણ છપાવ્યા હતા. સચિન તેંડુલકરે 2013માં નિવૃત્તિ લીધી ત્યારે શંકરસિંહ વાઘેલાના હસ્તે નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો હોવાનું પણ તેઓ જણાવે છે.
સચિન તેંડુલકરની 200મી સદી સાથે જોડાયેલો સિલ્વર કૉઇન
અરવિંદસિંહ ઝાલા જણાવે છે કે સચિન તેંડુલકર જે ક્રિસોટલ ઓઇલની જાહેરાતમાં જોવા મળ્યા હતા, ત્યાંના માલિકે તેમને સચિન તેંડુલકરની 200મી સદી સાથે જોડાયેલો સિલ્વર કૉઇન ભેટમાં આપ્યો હતો. આ સિક્કો તેમના માટે ખાસ છે. તેઓ દરરોજ તેના દર્શન કરીને પોતાના કામે જતા હોવાનું જણાવે છે.

સચિન તેંડુલકરની પ્રેરણાથી લોકોને મદદ કરવાનો સંકલ્પ
અરવિંદસિંહ ઝાલા માને છે કે સચિન તેંડુલકરની પ્રેરણાથી તેઓ જીવનમાં આગળ આવ્યા છે. સચિન તેંડુલકરને ભગવાન તરીકે માનતા હોવાથી કોઈ ખોટું કામ ન કરવું અને લોકોને મદદરૂપ થવું તેવો તેમનો સંકલ્પ છે. ગામમાં કોઈ યુવાન ક્રિકેટર બનવા માગતો હોય તો તેને પણ મદદ કરવાની તેઓ વાત કરે છે.
ભવિષ્યમાં સચિન તેંડુલકરનું મ્યુઝિયમ બનાવવાનું સપનું
અરવિંદસિંહ ઝાલાનું ભવિષ્યનું એક મોટું સપનું પોતાના ઘરમાં સચિન તેંડુલકર માટે અલગ મ્યુઝિયમ બનાવવાનું છે. મકાનના રિનોવેશન દરમિયાન એક અલગ જગ્યા બનાવી તેમાં સચિન તેંડુલકર સાથે જોડાયેલી તસવીરો, પોસ્ટર, અખબારી કટિંગ અને અન્ય વસ્તુઓ સાચવવાની તેમની ઈચ્છા છે. તેઓ ઈચ્છે છે કે આ મ્યુઝિયમના માધ્યમથી લોકો સચિન તેંડુલકરની ક્રિકેટ કારકિર્દી અને તેમના જીવન વિશે જાણી શકે.

સચિન તેંડુલકર જ મારા ભગવાન છે
અરવિંદસિંહ ઝાલા કહે છે કે સચિન તેંડુલકર પ્રત્યેની તેમની શ્રદ્ધા જીવનભર રહેશે. તેઓ સચિન તેંડુલકરની પૂજા કરતા રહેશે અને તેમની પ્રેરણાથી લોકોની મદદ કરતા રહેવાનો સંકલ્પ ધરાવે છે. તેમના શબ્દોમાં, "સચિન તેંડુલકર જ મારા ભગવાન છે. Sachin Is My God. અમે કાયમ માટે સચિન તેંડુલકરની પૂજા કરતા રહીશું."
