આંતરરાષ્ટ્રીય રમતગમત મંચ પર ભારતનું અને ગુજરાતનું નામ રોશન કરનારા ખેલાડીઓનું રાજ્ય સરકાર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. એશિયન ગેમ્સ અને પેરા એશિયન ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ગુજરાતના કુલ 18 ખેલાડીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કુલ રૂ. 9.27 કરોડથી વધુની પ્રોત્સાહક ઈનામી રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. રમતવીરોની આ મહેનતને બિરદાવીને રાજ્ય સરકારે રમતો પ્રત્યે પોતાનું સમર્થન પુનઃ વ્યક્ત કર્યું છે.
ક્રિકેટરો જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને રાધા યાદવને પ્રત્યેકને રૂ. 66 લાખ એનાયત
આ સન્માન સમારોહમાં ભારતીય ક્રિકેટ ટીમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સુવર્ણ સફળતા અપાવનારા ગુજરાતના સ્ટાર ક્રિકેટરો જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને મહિલા ક્રિકેટર રાધા યાદવને પ્રત્યેકને રૂ. 66 લાખની રોકડ પુરસ્કાર રકમ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય રમતગમતમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારા અન્ય ખેલાડીઓને પણ તેમની સિદ્ધિઓ મુજબ પુરસ્કારો આપવામાં આવ્યા છે.



