ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેલાડીઓને વૈશ્વિક મંચ પર પહોંચાડવા માટે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી ‘શક્તિદૂત 2.0’ યોજનાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રીના વરદ હસ્તે આ યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં રાજ્યના રમતગમત માળખાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રૂ. 388 કરોડના વિવિધ વિકાસકામોના ઈ-ભૂમિપૂજન અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ખેલાડીઓની સુવિધા માટે આધુનિક રમત સંકુલ અને ડિજિટલ લાઇબ્રેરીની પણ ભેટ રાજ્યને અર્પણ કરવામાં આવી છે.

ખેલાડીઓ પર પુરસ્કારોનો વરસાદ

આ પ્રસંગે રાજ્યનું નામ રોશન કરનાર 799 ઉત્કૃષ્ટ ખેલાડીઓને વિશેષ એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શક્તિદૂત યોજનાએ રાજ્યના રમતવીરોને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના પરિણામે ગુજરાતના ખેલાડીઓએ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ 831 એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 773 એવોર્ડ મેળવીને રાજ્ય તથા દેશનું ગૌરવ વધાર્યું છે.

આર્થિક સહાયમાં મોટો વધારો

રમતવીરોને ઉત્કૃષ્ટ કોચિંગ, આધુનિક સાધનો અને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ વિના કોઈ અવરોધે મળી રહે તે માટે સરકારે આ યોજના હેઠળ અપાતી આર્થિક સહાયમાં મોટો વધારો કર્યો છે. હવે શક્તિદૂત યોજના હેઠળ ખેલાડીઓને મળતી નાણાકીય સહાયની રકમ વધારીને રૂ. 50 લાખ સુધી કરી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી આગામી સમયમાં ઓલિમ્પિક્સ સહિતની વૈશ્વિક સ્પર્ધાઓમાં ગુજરાતના ખેલાડીઓ વધુ ઝડપથી સફળતાના શિખરો સર કરશે.

આ પણ વાંચો : Kheda News: નડિયાદના હાથનોલી ગામના ખેડૂતો બગડેલી ડાંગર લઈ કલેક્ટર કચેરી પહોંચ્યા