રાજ્ય સરકારની 'સેવા-સુશ્રુષા'ની પ્રાથમિકતાને વરેલા આરોગ્ય તંત્રએ મુળી તાલુકાના કુંતલપુર ગામના અંતરિયાળ વાડી વિસ્તારમાં મધરાતે એક ૧૯ વર્ષીય સગર્ભા માતા માટે 'સંકટ સમયની સાંકળ' બની, માનવતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કુંતલપુર વાડી વિસ્તારમાં રહેતા ૧૯ વર્ષીય સપનાબેન નાયકાને જ્યારે મધરાતે પ્રસૂતિની પીડા ઉપડી, ત્યારે ૧૦૮ની ટીમે ત્વરિત પ્રતિસાદ આપી તેમની વહારે પહોંચી હતી.
આ ટીમે જોખમી ગણાતી ડિલિવરી સફળતાપૂર્વક કરાવી હતી
પ્રથમવાર માતા બનવા જઈ રહેલા સપનાબેનની સ્થિતિ નાજુક હતી અને હોસ્પિટલ સુધીનું અંતર કાપવું જોખમી જણાતું હતું. આવા કપરા સમયે, પ્રશિક્ષિત ઈ.એમ.ટી. છોટાભાઈ અને પાયલોટ હરપાલસિંહે માત્ર એક કર્મચારી તરીકે નહીં, પરંતુ પરિવારના સભ્ય જેવી સંવેદના સાથે પરિસ્થિતિ સંભાળી લીધી હતી. રાત્રિના અંધકારમાં જ્યારે સમયસર હોસ્પિટલ પહોંચવું મુશ્કેલ જણાયું, ત્યારે ૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સને જ 'મોબાઈલ લેબર રૂમ'માં ફેરવી નાખી હતી. સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી અત્યાધુનિક જીવનરક્ષક સુવિધાઓ અને કુશળ તાલીમનો ઉપયોગ કરી, આ ટીમે જોખમી ગણાતી ડિલિવરી સફળતાપૂર્વક કરાવી હતી.
મહિલાએ રાજય સરકાર અને 108ની ટીમનો આભાર માન્યો હતો
એમ્બ્યુલન્સમાં ગુંજેલી બાળકની કિલકારીએ સાબિત કરી દીધું કે ગુજરાત સરકારની ૧૦૮ સેવા એ માત્ર વાહન નથી, પણ લાખો પરિવારો માટે આશાનું કિરણ છે. આ સફળ કામગીરી બાદ માતા અને નવજાત શિશુને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેવાડાના વાડી વિસ્તાર સુધી મધરાતે પહોંચીને માતા અને બાળકના જીવની રક્ષા કરી, ૧૦૮ની ટીમે ગુજરાત સરકારના "સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના કલ્યાણ" ના મંત્રને ચરિતાર્થ કર્યો છે. સરકારની આ ત્વરિત સેવા બદલ સપનાબેનના પરિવારે ગદગદિત હૃદયે રાજ્ય સરકાર અને ૧૦૮ની ટીમનો આભાર માન્યો હતો.










