શેર ટ્રેડિંગમાં રોકાણ પર મોટો નફો મેળવવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં બોગસ 'વેલ્થ ટ્રેડ' એપ્લિકેશન દ્વારા શેર ટ્રેડિંગના નામે ઠગાઈ આચરતું મોટું કોલ સેન્ટર ઝડપાયું છે. સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે સ્થાનિક પોલીસની મદદથી દરોડા પાડીને 5 ટેલિકોલરની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા 21 મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
12 એકાઉન્ટમાં 8.22 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન
આ સમગ્ર ઠગાઈમાં 12 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીની તપાસમાં આ એકાઉન્ટ મારફતે 8.22 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું જાણવા મળ્યું છે. શેર ટ્રેડિંગના નામે લોકોને નિશાન બનાવી આર્થિક છેતરપિંડી કરવામાં આવતી હતી.
વોટ્સએપ લિંકથી બનાવટી એપ ડાઉનલોડ કરાવતા
આરોપીઓ લોકોને શેર ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપતા હતા. ત્યારબાદ વોટ્સએપ મારફતે શંકાસ્પદ લિંક મોકલી બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા હતા. આ એપ્લિકેશન દ્વારા રોકાણકારોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.
ડીમેટ એકાઉન્ટની વિગતો મેળવી લાખોની ઠગાઈ
બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ આરોપીઓ પીડિતોના ડીમેટ એકાઉન્ટના આઈડી અને પાસવર્ડ મેળવી લેતા હતા. ત્યારબાદ બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવતી હતી.
સુરતના રહીશ સાથે 14.48 લાખની છેતરપિંડી
આ જ મોડસ ઓપરેન્ડીથી સુરતના એક રહીશને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમની પાસેથી કુલ 14.48 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલે તપાસ હાથ ધરી હતી અને ઇન્દોરમાં દરોડા પાડીને 5 ટેલિકોલરની ધરપકડ કરી હતી.
21 મોબાઇલ ફોન જપ્ત
પોલીસે દરોડા દરમિયાન 21 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત ઠગાઈમાં ઉપયોગમાં લેવાયેલા 12 એકાઉન્ટ મારફતે થયેલા 8.22 કરોડથી વધુના વ્યવહારોની વિગતો પણ સામે આવી છે.
આ પણ વાંચો : Dabhoi : ‘સંઘ કે VHP પાછળ ફરવાથી ટિકિટ મળે?’ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો