સુરતની કિરણ હોસ્પિટલમાં હાર્ટ સર્જરી બાદ 8 મહિનાની બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં ભારે હોબાળો મચ્યો છે. સફળ ઓપરેશનના માત્ર બે દિવસ બાદ બાળકીનું અચાનક મોત થતાં પરિવારમાં શોક સાથે ભારે રોષ ફેલાયો છે. પરિવારજનોએ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે.

હોસ્પિટલ સત્તાધીશોએ હાથ કર્યા અધ્ધર 

પરિવારના જણાવ્યા મુજબ બાળકીની હાર્ટ સર્જરી સફળ રહી હોવાનું હોસ્પિટલ તરફથી જણાવાયું હતું. જોકે, ઓપરેશનના બે દિવસ બાદ તેની તબિયત અચાનક બગડી અને તેનું મોત થયું. પરિવારનો આક્ષેપ છે કે ઓપરેશન કરનાર ડૉ. વિશાલ અગ્રવાલ ઘટના બાદથી સંપર્ક બહાર છે અને હોસ્પિટલ તંત્ર તરફથી પણ કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. પરિવારે વધુમાં આરોપ લગાવ્યો કે બાળકીની સ્થિતિ ગંભીર બન્યા બાદ તેને તપાસનાર નર્સે પરિવારને યોગ્ય માહિતી આપવાને બદલે સિક્યોરિટી સ્ટાફને બોલાવ્યો અને પોતે ત્યાંથી નીકળી ગયા. આ વર્તનને પરિવારજનોએ અત્યંત બેદરકારીભર્યું ગણાવ્યું છે.

ઘટના સ્થળે પોલીસે પહોંચી તપાસ શરૂ કરી 

ઘટનાની જાણ થતાં પોલીસ કિરણ હોસ્પિટલ પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હોસ્પિટલમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પરિવારજનો અને હોસ્પિટલના સ્ટાફના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. હાલ પરિવાર દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોની તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસ બાદ જરૂરી પુરાવા અને તબીબી દસ્તાવેજોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

બીજી તરફ, હોસ્પિટલ તરફથી હજુ સુધી આક્ષેપોને લઈને કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઘટનાએ ખાનગી હોસ્પિટલોમાં સારવારની ગુણવત્તા અને દર્દીઓની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

આ પણ વાંચો : Vadodara: પેટાચૂંટણી અગાઉ ચૂંટણી પંચની ગાઇડલાઇન હેઠળ 2 ACP અને 7 PSI ની સાગમટે બદલી