વડોદરામાં આગામી દિવસોમાં યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ છે, ત્યારે વહીવટી સ્તરે પણ પૂર્વ તૈયારીઓ અને નિયમોનું ચુસ્ત પાલન શરૂ કરી દેવાયું છે. ચૂંટણી પંચના નિયમ મુજબ જે તે વિસ્તારમાં લાંબા સમયથી ફરજ બજાવતા અથવા સ્થાનિક સ્તરે પ્રભાવ ધરાવતા અધિકારીઓની બદલી કરવાની પ્રક્રિયાના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા મોટો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ અન્વયે વડોદરાના ૨ એસીપી અને ૭ પીએસઆઈ સહિત કુલ 9 ઉચ્ચ અધિકારીઓની બદલી અને લીવ રિઝર્વના હુકમ કરાયા છે.
વડોદરા પોલીસ બેડામાં મોટો ભૂકંપ
આ આંતરિક બદલીઓમાં સૌથી મહત્વની બદલી વડોદરા શહેરના વ્યસ્ત અને સંવેદનશીલ ગણાતા એફ (F) ડિવિઝનની છે. એફ ડિવિઝનના એસીપી પ્રણવ કટારીયાની બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને વી. પી. ગામિતને નવા એસીપી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ મહત્વના ગણાતા માંજલપુર, કપુરાઇ અને મકરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ (PSI) ને કોઈપણ જાતની નવી નિયુક્તિ વગર સીધા લીવ રિઝર્વ (લાઈન હાજર) માં મૂકી દેવામાં આવ્યા છે.
