સુરત શહેરને દેશભરમાં સ્વચ્છતામાં અગ્રેસર રાખવા માટે દિવસ રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓ આજે પોતે જ ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા નિર્મળનગર ખાતે ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસનું સમગ્ર બિલ્ડિંગ અત્યંત જર્જરિત અને ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયું છે. જેના કારણે 200થી વધુ સફાઈ કામદાર પરિવારો જીવના જોખમે અહીં વસવાટ કરી રહ્યા છે.
લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે
વર્ષ 2008માં સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે આ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જોકે,આટલા ટૂંકા સમયગાળામાં જ આખી ઇમારત કંડમ હાલતમાં આવી ગઈ છે.હાલમાં આવાસ પરિસરમાં જ્યાં નજર કરો ત્યાં બિહામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.બિલ્ડિંગના વિવિધ ભાગોમાં સ્લેબમાંથી પોપડા ખરી રહ્યા છે અને છતના સિમેન્ટના પોપડા ઉખડી જતાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે.બિલ્ડિંગની મુખ્ય દીવાલોમાં મોટી-મોટી તિરાડો પડી ગઈ છે, જે ગમે તે ઘડીએ મોટો અકસ્માત કે હોનારત સર્જી શકે છે.
