સુરતની ડાયમંડ હોસ્પિટલમાં 19 સપ્ટેમ્બર, 2025ના રોજ એક અનોખો રેકોર્ડ સર્જાયો હતો, જ્યારે 24 કલાકના ટૂંકા ગાળામાં કુલ 23 બાળકોનો જન્મ થયો હતો. આ 23 બાળકોમાં 14 દીકરીઓ અને 9 દીકરાઓનો સમાવેશ થાય છે. આ અસાધારણ ઘટનાને કારણે હોસ્પિટલનું વાતાવરણ બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યું હતું, અને સ્ટાફ તથા ડોકટરોમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાયો હતો. હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટે આ ઉમદા કાર્ય બદલ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ હોસ્પિટલની સેવા અને કાર્યક્ષમતાને ઉજાગર કરી છે.


સસ્તા દરે સુવિધા, દીકરી જન્મે તો ખાસ લાભ

ડાયમંડ હોસ્પિટલ તેની આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ માટેની ઉત્તમ સેવાઓ માટે જાણીતી છે. અહીં સામાન્ય ડિલિવરી માટે માત્ર રૂપિયા 1800 નો ચાર્જ લેવામાં આવે છે, અને જો દીકરીનો જન્મ થાય તો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. સિઝેરિયન ડિલિવરી માટેનો ચાર્જ રૂપિયા 5,000 છે, અને દીકરી જન્મે તો તે માટે માત્ર રૂપિયા 3,200 લેવામાં આવે છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આ સેવા ખૂબ જ ઉપયોગી છે. હોસ્પિટલ "બેટી બચાવો - બેટી વધાવો"ના સૂત્રને સાર્થક કરવા માટે પણ અનોખો પ્રયાસ કરી રહી છે.

દીકરીના જન્મ પર રૂપિયા 1 લાખનો બોન્ડ

આ હોસ્પિટલમાં જો કોઈ દંપતીને એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને રૂપિયા 1 લાખનો બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં હોસ્પિટલે 2500 દીકરીઓને કુલ રૂપિયા 25 કરોડના બોન્ડ આપીને સમાજમાં દીકરીઓના મહત્વ વિશે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પહેલ સમાજમાં દીકરીઓને બોજ ગણવાની માન્યતાને તોડવાનો એક સારો પ્રયાસ છે. આ હોસ્પિટલમાં રોજની OPDમાં 950 થી 1000 દર્દીઓનો લાભ લે છે અને દર મહિને 300 થી 350 ડિલિવરી થાય છે, જે તેની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા દર્શાવે છે.


  • Follow us on: